ઉત્તર ગુજરાતમાં ‘ભાગેડુ લગ્નો’ અને લગ્ન નોંધણીમાં ગેરરીતિને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. મહેસાણાના કણજીપાણી ગામના તલાટી પર ભાગીને આવેલા યુગલોના લગ્ન કરાવી, મોટી રકમ કમાવાનો સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે SPG (સરદાર પટેલ ગ્રુપ) અધ્યક્ષ લાલજી પટેલએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ગંભીર આક્ષેપો કર્યા છે અને રાજ્ય સરકાર પાસે તાત્કાલિક તપાસની માંગ કરી છે.
તલાટીનો કથિત વીડિયો અને 50 લાખની કમાણીનો દાવો
SPG અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું કે, કણજીપાણી ગામના તલાટી અર્જુન મેઘવાલનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પોતે જ વર્ષ 2025માં બે હજારથી વધુ લગ્ન કરાવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. તલાટી કથિત રીતે એક લગ્નના 2,500 લેતા હતા, અને આ હિસાબે એક વર્ષમાં 50 લાખથી વધુની કમાણી કરી હોવાનું જણાવી રહ્યા છે. આ દાવાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. લાલજી પટેલે તલાટીના આ દાવા અંગે વીડિયો પુરાવા હોવાનો પણ દાવો કર્યો છે.
24 લગ્ન અને એક જ દિવસે ચાર સ્થળે હાજરીનો કિસ્સો
લાલજી પટેલે વધુ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે, પંચમહાલના કણજીપાણી ગામે માત્ર ત્રણ દિવસમાં 24 ભાગીને લગ્ન થયા છે. આ ઉપરાંત એક ચોંકાવનારો કિસ્સો ટાંકતા તેમણે જણાવ્યું કે એક યુગલે ગત 14 નવેમ્બર 2025ના રોજ એક જ દિવસે, માત્ર થોડા કલાકોના અંતરે ચાર અલગ-અલગ જગ્યાએ હાજરી બતાવી હોવાનો દાવો છે. જેમાં ઊંઝામાં સ્ટેમ્પ લીધો, નોટરી વિસનગર કરાવી, કણજીપાણીમાં લગ્ન નોંધણી કરાવી, અને હારીજમાં મંદિરમાં લગ્ન કર્યા. આ મુદ્દે લાલજી પટેલે સવાલ ઉઠાવ્યો કે, લગ્ન કરનાર યુગલ એક જ તારીખે, થોડા કલાકોમાં આ ચાર અલગ-અલગ સ્થળોએ કેવી રીતે પહોંચી શકે?
સરકાર પાસે તાત્કાલિક તપાસની માંગ
સમગ્ર મામલે ગેરરીતિની આશંકા વ્યક્ત કરતાં SPG અધ્યક્ષ લાલજી પટેલે લગ્ન નોંધણીના આ મુદ્દે સરકાર તાત્કાલિક તપાસ કરે તેવી માંગ કરી છે.
મહિલા મંત્રી ડૉ. મનીષા વકીલનું નિવેદન
ઉત્તર ગુજરાતમાં ‘એક જ મહિલા દ્વારા અનેકો સાથે લગ્ન’ કર્યાની અને આ પ્રકારની ઘટનાઓ અંગે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલનું નિવેદન પણ આવ્યું છે. મંત્રીએ જણાવ્યું કે, “આ પ્રકારની ઘટનાઓ બિલકુલ ન બનવી જોઈએ.” તેમણે ખાતરી આપી કે, આ અંગેની તમામ માહિતી મેળવવામાં આવશે અને માહિતી મેળવ્યા બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર મામલો તંત્રની ભૂમિકા અને લગ્ન નોંધણીની પ્રક્રિયા પર સવાલો ઉભા કરે છે. તલાટી પરના કથિત કમાણીના દાવાઓ અને એક જ દિવસમાં ચાર સ્થળે હાજરીના કિસ્સાઓએ વહીવટી પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.