
“ભારત ટેક્સી છે એ આપણી ટેક્સી છે, આપણી એપ છે અને આપણી રીતે ચલાવવાની છે” – આ સૂત્ર સાથે વિશ્વનું સૌથી મોટું ડ્રાઇવર-માલિકી નેટવર્ક ‘ભારત ટેક્સી’ હવે રાજકોટમાં પગપેસારો કરી ચૂક્યું છે. દિલ્હી બાદ ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં 26 નવેમ્બરે સોફ્ટ લોન્ચ થયું અને પહેલા જ દિવસે 200થી વધુ ડ્રાઇવરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલ અહીં 1000થી વધુ ટુ-વ્હીલર, રિક્ષા અને કાર ડ્રાઇવરો જોડાઈ ચૂક્યા છે, જ્યારે ગુજરાત-દિલ્હી મળીને આખા દેશમાં 51 હજારથી વધુ ડ્રાઇવરો સરકાર માન્ય ભારત ટેક્સીમાં રજિસ્ટર્ડ થયા છે. ડિસેમ્બર અંત સુધીમાં કસ્ટમર એપ લોન્ચ થતાં જ રાજકોટના લોકોને અન્ય ખાનગી કેબ કંપનીઓ કરતા સસ્તી અને કમિશન-ફ્રી રાઇડ સેવા મળવા લાગશે, કારણ કે અહીં ડ્રાઇવર જ માલિક છે.આ સેવામાં જોડાનારા ડ્રાઇવરોને સારથી તરીકે ઓળખવામાં આવશે. રાજકોટમાં સહકાર ટેક્સીના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ સંદીપ પટણીએ જણાવ્યું હતું કે, ભારત ટેક્સીની શરૂઆત સૌપ્રથમ દિલ્હીમાં કરાઈ હતી અને ત્યારબાદ ગુજરાતના રાજકોટ શહેરમાં કિસાનપરા ચોક ખાતે 26 નવેમ્બરના રોજ ડ્રાઇવર રજિસ્ટ્રેશન એપ્લિકેશન લોન્ચ કરી હતી.
આ લોન્ચિંગ સહકાર ટેક્સીના ઉચ્ચ અધિકારી ગૌતમ ગાંગુલી, એક્ઝિક્યુટિવ સંદીપ પટણી, અને બોર્ડ ઓફ ડિરેક્ટર કિશનભાઈની હાજરીમાં કરવામાં આવ્યું હતું. અમદાવાદ તથા રાજકોટ સહિત રાજ્યભરના ડ્રાઇવરભાઈઓએ આ સમારોહમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. લોન્ચિંગના પહેલા દિવસે જ 200-250 જેટલા ડ્રાઈવરોએ ભારત ટેક્સી માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. અત્યાર સુધીમાં ઓલઓવર ગુજરાતના 1 હજાર કરતાં પણ વધુ ડ્રાઈવરો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ભારત ટેક્સીની એક અનોખી વિશેષતા એ છે કે, તેમાં કોઈ કમિશન ચાર્જ નહીં લાગે. ડ્રાઇવરોએ ફક્ત સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવાની રહેશે. જે દૈનિક, સાપ્તાહિક અથવા માસિક હોઈ શકે છે. આ રીતે દરેક ટ્રીપમાંથી થતી સંપૂર્ણ કમાણી સીધી ડ્રાઇવરના ખિસ્સામાં જશે.સરકાર માને છે કે, આનાથી આર્થિક રીતે મજબૂતાઈ મળશે અને લાખો ડ્રાઇવરોનો આત્મવિશ્વાસ વધશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અન્ય પ્રાઇવેટ કેબ કંપનીઓ 20થી 25% કમિશન લેતી હોય છે પરંતુ, જે ભારત ટેક્સી આવવાની છે તેમાં કોઈપણ પ્રકારનો અન્ય ચાર્જ લેવામાં નહીં આવે અને સીધો લાભ ડ્રાઇવરોને મળવાનો છે.
ગુજરાત અને દિલ્હીમાં અત્યાર સુધીમાં 51 હજારથી પણ વધુ ડ્રાઈવરો રજિસ્ટર્ડ થઈ ચૂક્યા છે. ભારત ટેક્સી માટેની કસ્ટમર એપ ડિસેમ્બરના અંત સુધીમાં આવી જશે અને ત્યારબાદ લોકોને ભારત ટેક્સીની સુવિધા મળતી શરૂ થઈ જશે. આ ઉપરાંત ટેક્સીના ભાડા બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ભારત ટેક્સીમાં થનારો ફાયદો ડ્રાઇવરો અને લોકોને દેખાશે. જેનો ચાર્જ સરકારના ધારા ધોરણ મુજબ રહેશે સરકાર દ્વારા જે ચાર્જ નક્કી કરવામાં આવશે તે મુજબ જ મુસાફરો પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, ડ્રાઇવરો ભારત ટેક્સીના માલિક રહેશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજુરી બાદ કિશનપરા ચોક ખાતે પરંપરાગત પૂજા સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સોફ્ટ લોન્ચિંગમાં 200થી વધુ ડ્રાઇવરોની હાજરી નોંધાઈ હતી.ભારત ટેક્સીને વિશ્વના સૌથી મોટા ડ્રાઇવર-માલિકી નેટવર્ક તરીકે ઓળખવામાં આવી રહી છે. દિલ્હી અને ગુજરાતમાં કાર, ઓટો અને બાઇકની ત્રણેય શ્રેણીઓના 51,000થી વધુ ડ્રાઇવરોએ આ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી છે. જોકે,આ સહકારી કેબ સેવા હજુ સુધી દેશભરમાં શરૂ કરવામાં આવી નથી. ભારત ટેક્સી પહેલાથી જ વિશ્વના સૌથી મોટા ડ્રાઇવર-માલિકી ગતિશીલતા સમૂહ તરીકે ઉભરી આવી છે.