
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને અને જૂના અમદાવાદમાં જવા માટેના પ્રવેશ દ્વાર ગણાતા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી છે. સદનસીબે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના અટકી છે. પરંતુ, હવે શું તેને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બ્રિજ ડિઝાઈન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષ બ્રિજના નીચેના ભાગમાં ઈન્સપેક્સન કરવામાં આવતા બ્રિજમાં તિરાડો અને સ્પાન ખસી ગયેલો જોવા મળ્યો છે. સુભાષબ્રિજનો જે સ્પાનનો ભાગ બેસી ગયો છે. તેના નીચેના ભાગે તિરાડ પડી છે. બ્રિજના ત્રીજા નંબરના સ્પાનનો ભાગ બેસી ગયો છે. બ્રિજ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટ દ્વારા સુભાષ બ્રિજની દરેક તરફથી તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં બ્રિજના એક જ સ્પાનમાં નુકસાન થયું છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મોરબી અને ગંભીરા બ્રિજની દુર્ઘટનાને ધ્યાનમાં રાખી ઉંઘતું ઝડપાયા બાદ સુભાષ બ્રિજનો સ્પાન બેસી જતાં બ્રિજના અન્ય સ્પાનની પણ તપાસ કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમ પેનલ કરવામાં આવેલા ડિઝાઇન કન્સલ્ટન્ટ ઉપરાંત SVNIT અને અલગ અલગ એક્સપર્ટ કમિટીના લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે. ‘કેન્ટિલિવર એરિયા’ એટલે પુલનો એવો ભાગ જે એક છેડે આધાર (support) સાથે જોડાયેલો હોય છે, પરંતુ બીજા છેડે કોઈ ટેકો હોતો નથી અને તે હવામાં લટકતો હોય છે, જે પુલને લાંબો કરવા માટે વપરાય છે; ગુજરાતીમાં તેને ‘આધારહીન લટકતો ભાગ’ અથવા ‘લટકતો વિસ્તાર’ કહી શકાય, જ્યાં તે પુલના મુખ્ય માળખાનો ભાગ હોય છે અને લોડ વહન કરે છે.
કેન્ટિલિવર (Cantilever): એક એવો ભાગ જે ફક્ત એક બાજુથી પકડાયેલો હોય, જેમ કે બાલ્કની અથવા ટેબલ પર લટકતો પુસ્તકનો શેલ્ફ જે એક જ ખૂણાથી દીવાલને અડેલો હોય. પુલના બે મુખ્ય પિલર વચ્ચેનો ભાગ લટકાવવા અથવા પુલની પહોળાઈ વધારવા માટે આ ટેકનિક વપરાય છે. આ ભાગ પુલના વજનને ટેકો આપતા પિલર પર ધકેલે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ અને બ્રિજ કન્સલ્ટન્ટ વિભાગની ટીમ દ્વારા ગઈકાલે પાંચ સપ્ટેમ્બર ના રોજ વહેલી સવારે સુભાષ બ્રિજ પર અને બ્રિજની નીચેના ભાગે તપાસ કરવામાં આવી હતી. બ્રિજની નીચેના ભાગેથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી અને બ્રિજ પર કેટલું અને કેવી રીતે તિરાડ પડી હોવા અંગેનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
આ ઇન્સપેક્શનની પ્રક્રિયા બાદ બ્રિજના કેન્ટિલિવરના ભાગમાં તિરાડ પડી છે. કેન્ટી લિવરનો ભાગ એક તરફ નમી ગયો છે જેના કારણે સ્લેબ પણ નમી ગયો છે. આ બાબતે હાલ તપાસ હજી કરવામાં આવી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ સુભાષ બ્રિજમાં જે સ્પાનમાં તિરાડ પડી અને ભાગ બેસી ગયો છે તે સ્પાનને બદલવામાં આવી શકી છે. અલગ અલગ એક્સપર્ટ દ્વારા આખા સુભાષ બ્રિજના સ્પાન અને પિલ્લર સહિત નહી તપાસ કર્યા બાદ એક સ્પાન સિવાય કોઈ તકલીફ નહીં હોય તો નુકસાન થયેલા ભાગને જ બદલવામાં આવશે.
બ્રિજના અન્ય સ્પાનમાં તપાસ બાદ નિર્ણય લેવાશે. અમદાવાદના તમામ બ્રિજનું ઇન્સ્પેકક્શન ચોમાસા પહેલા અને પછી કરવામાં આવે છે. સામાન્ય રીતે ચોમાસું 15 જૂનથી શરૂ થતું હોવાની ગણતરી કરવામાં આવતી હોય છે ત્યારે ચોમાસા પહેલા બ્રિજ ઇન્સ્પેક્શન મે અને જૂન મહિનામાં કરવાનું હોય તેની જગ્યાએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું છે. બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યા બાદ તેનું માઇનોર રીપેરીંગ કરવા અંગેનું પણ કન્સલ્ટન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ 4 મહિના સુધી સુભાષબ્રિજ પર રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું નહીં. ચાર મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.