ઇન્ડિગો ઇમર્જન્સીથી રાજ્યમાં 155 ફ્લાઇટ કેન્સલ, અન્ય એરલાઈન્સનાં ભાડાં બમણાં

Spread the love

 

પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. એને કારણે પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. તો બીજી તરફ ઇન્ડિગોએ મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે 15 ડિસે. સુધીમાં જેનું બુકિંગ છે તેણે હાલાકી ભોગવવી પડી શકે છે.
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદના નારા લાગ્યા હતા. જ્યારે એક યુવતીએ જણાવ્યું હતું કે, ઇન્ડિગો ફ્લાઈટમાંથી ‘કચરાની જેમ સામાન ફેંકે છે, અંદરની હાલત ખરાબ, વૃદ્ધોને વ્હીલચેર પણ મળતી નથી’. ઇન્ડિગો ઇમર્જન્સીને કારણે કોઈએ હનિમૂનના પ્લાન પડતા મૂકવા પડ્યા હતા તો કોઈ વર-વધૂ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી શક્યાં નથી. એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટ્સ ધડાધડ રદ થઈ રહી હતી, તેવામાં એર ઇન્ડિયાનાં ભાડાંમાં ચાર ગણો વધારો થયો છે. મજબૂરીમાં હવે મુસાફરોને બસ-ટ્રેનમાં મુસાફરી કરવી પડશે.
મુસાફરોની ટિકિટ કેન્સલની સાથે ઇન્ડિગો એરલાઈન્સે બીજી એક મોટી ભૂલ કરી હતી. 4 ડિસેમ્બરની ફ્લાઈટના જેટલા પણ પેસેન્જર છે એ બધાના લગેજ આપવામાં આવ્યા નથી. 4 ડિસેમ્બરના જેટલા પેસેન્જર છે તેમની ફ્લાઈટ ગઈકાલે ટેક-ઓફ થઈ ગઈ હતી, પરંતુ તેમનો સામાન હજુ પણ અમદાવાદ એરપોર્ટ પર જ છે. 5 ડિસેમ્બરના પેસેન્જરનો સામાન પણ હજુ સુધી પરત કરવામાં આવ્યો નથી. એક મુસાફરે એવું જણાવ્યું હતું કે, 5 ડિસેમ્બરના પેસેન્જરનો સામાન 4 ડિસેમ્બરની જે ફ્લાઈટ ગોવા ગઈ છે એમાં જતો રહ્યો હોય એવું લાગી રહ્યું છે. લગેજને લઈને મુસાફરો હોબાળો મચાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *