કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

Spread the love

 

 

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું
______
સણાદર ડેરી ખાતે હજારો પશુપાલકોની હાજરીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે પશુપાલકોની આવક વધારતા નવીન પ્લાન્ટનો કરાવ્યો શુભારંભ
____
ગલબાભાઈનું સ્વપ્ન અને પશુપાલકોની મહેનત થકી બનાસ મોડેલ બન્યું દેશ માટે પ્રેરણારૂપ:- કેન્દ્રીય મંત્રીશ્રી અમિત શાહ
_____
સહકાર મંત્રાલય થકી ગામડાનો ખેડૂત પોતાની પ્રોડક્ટ વિશ્વ સ્તરે વેચી શકે તે મુજબની વ્યવસ્થા ઉભી કરાઈ:- કેન્દ્રીય મંત્રીશ્રી અમિત શાહ
______
પશુપાલકોને આત્મનિર્ભર બનાવતું બનાસનું ચક્રીય અર્થતંત્ર મોડેલ: ૪૦૦ રૂપિયા થી લઈને ૨૪ હજાર કરોડ સુધીની બનાસ ડેરીની સફળ સફર
______

 

પાલનપુર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદહસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું હતું. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ડેરી ખાતે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે સણાદર ડેરી ખાતે બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ તથા આઇસક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે સંસદીય પરામર્શ સમિતિના સભ્યશ્રીઓ અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે બેઠક યોજી હતી.

આ કાર્યક્રમમાં ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, બનાસ ડેરી દ્વારા અમલમાં મૂકાયેલ સહકાર મોડેલ આજે દેશ-વિદેશ માટે પ્રેરણારૂપ બન્યું છે. બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વર્ગીય ગલબાભાઈએ જોયેલું સ્વપ્ન બનાસના લોકોએ પૂર્ણ કર્યું છે. સ્વર્ગીય ગલબાભાઈએ પશુપાલકોના હિતમાં વર્ષ ૧૯૮૬માં ફ્કત આઠ ગામની દૂધ મંડળીઓ થકી દૂધ મેળવવાની શરૂઆત કરી હતી તે સંસ્થા આજે ૨૪ હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે. જે યાત્રા ફક્ત ૪૦૦ રૂપિયાથી શરૂ કરીને આજે ૨૪ હજાર કરોડના વેપાર સુધી પહોંચી છે તેનો શ્રેય અહીંના પશુપાલકોને જાય છે.

ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, વર્ષો પહેલા બૃહદ બનાસકાંઠા જિલ્લો સૂકો ભઠ્ઠ વિસ્તાર ગણાતો હતો. આ જિલ્લામાં ફક્ત ચોમાસુ આધારિત એક જ ખેતી થતી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂકા ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરીને સુજલામ સુફલામ્ અને નર્મદા કેનાલ આ વિસ્તારને આપીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવ્યા છે. આજે અહીં વર્ષમાં ત્રણ ખેતી પાક થઈ શકે છે. બનાસકાંઠામાં જળ સંચયનું શ્રેષ્ઠ કામ થયું છે. બનાસની માતા-બહેનોની મહેનતથી આજે બનાસ મોડેલ વટવૃક્ષ બન્યું છે.

શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, સહકાર મંત્રાલય થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે કામ થઈ રહ્યું છે. ડેરીને ચક્રીય વ્યવસ્થા બનાવાશે જેનો સીધો ફાયદો પશુપાલકોને મળી રહેશે તથા આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં ૨૦ ટકાનો વધારો થશે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી શ્વેતક્રાંતિ ૨.૦ ને સફળ બનાવવા અને ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌકોઈ સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. આગામી સમયમાં ડેરી પ્રોડક્ટ સાથે સાથે અનેક ક્ષેત્રમાં સહકારિતાની ભાગીદારી વધારવામાં આવશે. આજે ગામડાનો ખેડૂત પોતાની પ્રોડક્ટ વિશ્વ સ્તરે વેચી શકે તે મુજબની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આગામી જાન્યુઆરી ૨૦૨૬માં દેશની ૨૫૦ જેટલી ડેરીના ચેરમેન અને એમ.ડી બનાસ મોડલ વિકાસને નજીકથી જોવા માટે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે તેમ જણાવ્યું હતું.

શ્રી અમિતભાઈ શાહે બંધારણના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરના સ્મૃતિદીન નિમિત્તે તેમને યાદ કરીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના સહકાર અને ખેડૂતોના હિત માટે લીધેલા પગલાંની સરાહના કરી હતી.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના આટલા વર્ષો બાદ સહકાર મંત્રાલય ઉભુ કરીને ગામડાના વિકાસ માટે કામ કર્યું છે. ગ્રામીણ વિસ્તારના નાના માણસનું જીવન ધોરણ બદલાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સહકાર થી સમૃદ્ધિ હેઠળ કામગીરી થઈ રહી છે. સરકારશ્રીની યોજનાઓ થકી ૨૪ કલાક વીજળી અને પાણી થકી પશુપાલકોને ઘર આંગણે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે સહકારી મંડળીઓનો વ્યાપ વધી રહ્યો છે. ખેડૂતો વિશ્વ સ્તરે પોતાની પ્રોડક્ટ વેચી શકે તે માટે ભારત સરકારે સંસ્થા સ્થાપી છે જેનું ફક્ત ૧ વર્ષમાં ૪૨૮૩ કરોડનું ટર્નઓવર થયું છે. ખેડૂતોના હિત માટે સરકારે ભારત ઓર્ગેનિક સંસ્થાની પણ શરૂઆત કરી છે. આજે સહકાર ક્ષેત્ર ટેક્સીના ડ્રાઇવરો સુધી પહોંચીને તેમના માટે પણ સહકારી કંપની શરૂ થઈ છે. બનાસકાંઠામાં આગામી સમયમાં અનેક ધંધાઓ થકી પશુપાલકોની આવક બમણી કરવા માટે કામ આગળ વધી રહ્યું છે.

આ પ્રસંગે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી અને શ્રી જીતુભાઈ વાઘાણીએ બનાસ મોડેલના વિકાસગાથા વિશે વાત કરી હતી. આજે સહકાર મંત્રાલય હસ્તકની સંસદીય પરામર્શ સમિતિએ બનાસ મોડેલની મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી મુરલીધર મોહોલ, શ્રી કૃષ્ણપાલ ગુર્જર, સંસદીય પરામર્શ સમિતિના સભ્યશ્રીઓ, રાજ્યના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી ઋષિકેશ પટેલ, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી સ્વરૂપજી ઠાકોર, સહકાર સચિવશ્રી આશિષ ભુતાની, સુઝુકી ઈન્ડિયાના એમ.ડી અને ડિરેક્ટરશ્રી, અમૂલના ચેરમેનશ્રી અશોક ચૌધરી સહિત સહકારી ડિરેક્ટરશ્રીઓ અને બહોળી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
*

બોક્સ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે થયેલ લોકાર્પણ અને ખાતમુર્હુત

સણાદર ખાતે દૂધ પાવડર પ્લાન્ટનું ખાતમુર્હૂત:
બનાસ ડેરીએ સણાદર ખાતે રૂ. ૪૪૦ કરોડના ખર્ચે ૧૫૦ TPD ક્ષમતાનો અદ્યતન મિલ્ક પાઉડર અને બેબી ફૂડ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો છે. આ પ્લાન્ટ દ્વારા વધારાના દૂધનું યોગ્ય સંચાલન કરીને ડેરી વ્હાઇટનર, SMP, WMP તેમજ બેબી ફૂડ જેવા ઉચ્ચ મુલ્યવાળા ઉત્પાદનો મળી રહેશે.

ઓટોમેટિક પનીર પ્લાન્ટનું લોકાર્પણ:
બનાસ ડેરી દ્વારા ૨૦ MTPD ક્ષમતા ધરાવતા આધુનિક અને સંપૂર્ણ ઓટોમેટેડ પનીર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. જે અગાઉની મેન્યુઅલ પ્રક્રિયાની સરખામણીએ એક મોટી ટેક્નોલોજીકલ પદ્ધતિ છે. રૂ.૩૫ કરોડના મૂડી રોકાણથી બનાવાયેલા આ પ્લાન્ટમાં દરરોજ ૧ લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અને દૂધમાં રહેલા હાઈ વેલ્યુ ફેટ અને SNF (Solid Not Fat)ને ઉચ્ચ ગુણવત્તાવાળા પૌષ્ટિક પનીરમાં પરિવર્તિત કરવામાં આવે છે.

આગથળા સ્થિત બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ:
આગથળા ખાતે બનાસ ડેરી અને સુઝુકી ઈન્ડિયાએ સાથે મળીને રૂ. ૫૮૬૭ લાખના ખર્ચે બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપ્યો છે. આ પ્લાન્ટ પશુઓના ગોબર થકી સી.એન.જી બનાવે છે. આ CNG પ્લાન્ટ માટે ખેડૂતો પાસેથી પ્રતિ કિલો રૂ.૧ના દરે પશુપાલકો પાસેથી પશુઓનું ગોબર ખરીદવામાં આવે છે. આ એક ઉત્તમ ચક્રીય અર્થવ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધી ૫.૫ કરોડ કિલો ગોબર ખરીદવામાં આવ્યું છે અને દરરોજ ૧ લાખ કિલો ગોબર પ્રોસેસ થઈ ૧૯૦૦ કિલો બાયો–CNGનું ઉત્પાદન કરવામાં આવે છે. આ સાથે ગોબરની સ્લરીને પ્રોસેસ કરીને ‘ભૂમિ અમૃત’ નામે જૈવિક ખાતર બનાવવામાં આવે છે, જે જમીનની ફળદ્રુપતા વધારી ખેડૂતોની આવકમાં વધારો કરે છે.
આ પ્રોજેક્ટ દર વર્ષે ૬૭૫૦ ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી પર્યાવરણ રક્ષણમાં પણ યોગદાન આપે છે. ભવિષ્યમાં આવા કુલ ૨૫ પ્લાન્ટ બનાસકાંઠામાં સ્થાપવાની યોજના બનાવવામાં આવી છે.

ચીઝ પ્રોસેસિંગ પ્રોટીન પાવડર પ્લાન્ટનું લોકાર્પણ:
બનાસ ડેરીએ રૂ. ૪૫ કરોડના ખર્ચે ૬ લાખ લિટરની ક્ષમતાવાળો ચીઝ પ્રોસેસિંગ પ્રોટીન પાવડર પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટમાં ચીઝ ઉત્પાદન સાથે સાથે દૂધમાં રહેલા ઉચ્ચ પોષક તત્વોને પ્રોટીન પાવડર સ્વરૂપે રૂપાંતરિત કરવામાં આવે છે.
*


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *