મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ હવા પ્રદૂષણ ઘટાડવા શહેરી વિકાસ વિભાગ એક્શન મોડમાં
************
પ્રદૂષણ નિયંત્રણ માટે ૧૭ મહાનગરપાલિકાની ૨,૬૦૦થી વધુ બાંધકામ સાઈટનું માત્ર ત્રણ જ દિવસમાં ઈન્સ્પેક્શન કરાયું
************
તકેદારી ન રાખતી ૫૪૧ બાંધકામ સાઈટને દંડ કરીને કુલ રૂ. ૧૨૩ લાખથી વધુની વસૂલાત કરાઈ
************

શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યના મહાનગરોમાં વધી રહેલી હવા પ્રદૂષણની માત્રાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચા-વિચારણા દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાને લઈને અત્યારથી જ એલર્ટ થવા તેમજ પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારના દરેક વિભાગને સાથે રાખીને વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીની સૂચનાનુસાર શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રીએ રાજ્યની તમામ ૧૭ મહાનગરપાલિકાઓના મ્યુનીસીપલ કમિશનરશ્રીઓ અને ૬ પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનરશ્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને હવા પ્રદૂષણને અટકાવવા અંગેની ચર્ચા કરી હતી. આ બેઠકમાં તેમણે શહેરી વિસ્તારોમાં ચાલતા બાંધકામની વિવિધ સાઈટનું ઈન્સ્પેક્શન કરીને પ્રદુષણને નિયંત્રણમાં લેવાના પગલા ભરવા સૂચના આપી હતી.
બેઠક બાદ મહાનગરપાલિકાઓએ તાત્કાલિક ધોરણે સાઈટ ઈન્સ્પેક્શનની કામગીરી શરુ કરી હતી. આ દરમિયાન મહાનગરોમાં બાંધકામ ચાલુ હોય તેવી કુલ ૨,૯૬૧ સાઈટ પૈકી માત્ર ત્રણ જ દિવસમાં ૨,૬૦૦થી વધુ સાઈટનું ઈન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં જૂની ૦૮ મહાનગરપાલિકાની કુલ ૧,૫૬૩ સાઈટ પૈકી ૧,૩૦૩ સાઈટ તેમજ નવી ૦૯ મહાનગરપાલિકાની કુલ ૧,૩૯૮ સાઈટ પૈકી ૧,૩૦૦ સાઈટનું ઈન્સ્પેકશન પૂર્ણ થયું છે. વધુમાં, પ્રાદેશિક કમિશનરશ્રી નગરપાલિકાઓની કચેરી હેઠળની નગરપાલિકાઓમાં પણ કુલ ૭૭૧ સાઈટ પૈકી તમામ સાઈટનું ઈન્સ્પેકશન પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ ઈન્સ્પેકશન દરમિયાન જૂની ૦૮ મહાનગરપાલિકાની ૫૦૬ સાઈટને દંડ કરીને રૂ. ૧૨૨.૮૨ લાખ પેનલ્ટી તેમજ નવી ૦૯ મહાનગરપાલિકાની ૩૫ સાઈટને દંડ કરીને રૂ. ૧.૦૫૮ લાખ પેનલ્ટીની વસૂલાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીની સૂચનાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને હાલમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા દૈનિક ધોરણે ઉપરોક્ત બાબતે સમીક્ષા તથા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
***********