પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ભારત-રશિયા વ્યાપાર મંચને સંબોધિત કર્યું
વ્યવસાય હોય કે રાજદ્વારી, કોઈપણ ભાગીદારીનો પાયો પરસ્પર વિશ્વાસ છે. ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત આ વિશ્વાસમાં રહેલી છે; આ વિશ્વાસ જ સંયુક્ત પ્રયાસોને દિશા અને ગતિ આપે છે અને નવા સપના અને આશાઓને પ્રજ્વલિત કરવા માટે એક લોન્ચ પેડ તરીકે કામ કરે છે: પ્રધાનમંત્રી
ભારત-રશિયા $100 બિલિયનનો વેપાર લક્ષ્યાંક 2030 પહેલા પ્રાપ્ત થશે: પ્રધાનમંત્રી
સુધારા, કામગીરી અને પરિવર્તનના સિદ્ધાંત દ્વારા માર્ગદર્શન મેળવીને, ભારત ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત-રશિયા વ્યાપાર મંચને સંબોધિત કર્યો હતો, જેમાં રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન પણ સામેલ હતા. પોતાના ભાષણમાં, પ્રધાનમંત્રીએ મહામહિમ રાષ્ટ્રપતિ પુતિન, ભારત અને વિદેશના નેતાઓ અને તમામ પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું હતું કે ભારત-રશિયા વ્યાપાર મંચ રાષ્ટ્રપતિ પુતિન દ્વારા એક મોટી પહેલનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે એક વિશાળ પ્રતિનિધિમંડળ લઈને આવ્યા છે. તેમણે ઉપસ્થિત સૌનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને કહ્યું કે તેમની વચ્ચે આવવાનો આનંદ થયો. શ્રી મોદીએ ફોરમમાં હાજરી આપવા અને તેમની મૂલ્યવાન સમજ શેર કરવા બદલ તેમના મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો. તેમણે ભાર મૂક્યો કે વ્યવસાય માટે સરળ અને વિશ્વસનીય પ્રણાલીઓ બનાવવામાં આવી રહી છે, અને નોંધ્યું કે ભારત અને યુરેશિયન આર્થિક સંઘ વચ્ચે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ થઈ ગઈ છે.
શ્રી મોદીએ કહ્યું કે જેમ કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલે કહ્યું હતું અને રાષ્ટ્રપતિ પુતિને આગળની શક્યતાઓ પર પ્રકાશ પાડ્યો હતો, ભારત અને રશિયા ટૂંકા સમયમાં મહાન લક્ષ્યો પ્રાપ્ત કરી શકે છે. તેમણે કહ્યું કે કોઈપણ ભાગીદારીનો પાયો પછી ભલે તે વ્યવસાય હોય કે રાજદ્વારી, પરસ્પર વિશ્વાસ છે અને ભાર મૂક્યો કે આ વિશ્વાસ ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત છે. આ વિશ્વાસ સંયુક્ત પ્રયાસોને દિશા અને ગતિ બંને આપે છે અને નવા સપના અને આશાઓ માટે એક લોન્ચ પેડ તરીકે કામ કરે છે. પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે ગયા વર્ષે રાષ્ટ્રપતિ પુતિન અને તેમણે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારમાં $100 બિલિયનના લક્ષ્યને પાર કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિન સાથેની તેમની તાજેતરની વાતચીત અને દેખાતી તકોને જોતાં, એ સ્પષ્ટ છે કે 2030 સુધી રાહ જોવાની જરૂર રહેશે નહીં. તેમણે ભાર મૂક્યો કે ભારત અને રશિયા આ લક્ષ્યને સમય પહેલાં પ્રાપ્ત કરવા માટે દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે અને તેમનો વિશ્વાસ વધુ મજબૂત બની રહ્યો છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો ઘટાડવામાં આવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રયાસો પાછળનું પ્રેરક બળ વ્યાપારી નેતાઓમાં રહેલું છે તેમણે નોંધ્યું હતું કે તેમની ઊર્જા, નવીનતા અને મહત્વાકાંક્ષા ભારત અને રશિયાના સહિયારા ભવિષ્યને આકાર આપે છે.
છેલ્લા અગિયાર વર્ષોમાં ભારતમાં પરિવર્તનની ગતિ અને સ્કેલ પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી તેના પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું કે, સુધારા, કામગીરી અને પરિવર્તનના સિદ્ધાંતને અનુસરીને, ભારત ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે ભાર મૂક્યો કે આ અગિયાર વર્ષની સુધારા યાત્રા દરમિયાન, ભારત ન તો થાક્યું છે કે ન તો અટક્યું છે; તેનો સંકલ્પ પહેલા કરતા વધુ મજબૂત છે અને તે સંપૂર્ણ આત્મવિશ્વાસ અને ગતિ સાથે તેના લક્ષ્યો તરફ આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વ્યવસાય કરવાની સરળતા સુધારવા માટે GSTમાં આગામી પેઢીના સુધારા અને ઓછા પાલનનો અમલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સંરક્ષણ અને અવકાશ ખાનગી ક્ષેત્ર માટે ખોલવામાં આવ્યા છે, નવી તકો ઉભી કરવામાં આવી છે, અને નાગરિક પરમાણુ ક્ષેત્રમાં પણ શક્યતાઓના નવા દરવાજા ખુલી રહ્યા છે. તેમણે ભાર મૂક્યો કે આ ફક્ત વહીવટી સુધારા નથી, પરંતુ માનસિક સુધારા છે, જે એક જ સંકલ્પ દ્વારા સંચાલિત છે: વિકસિત ભારત.
પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા બે દિવસમાં ખૂબ જ ફળદાયી અને અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે આ બેઠકમાં ભારત-રશિયા સહયોગના તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા અને સહભાગીઓના સૂચનો અને પ્રયાસો માટે હૃદયપૂર્વક પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ઘણા વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીમાં, રાષ્ટ્રપતિ પુતિન અને તેમણે કનેક્ટિવિટીની સંભાવનાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, INSTC અને ઉત્તરીય સમુદ્ર માર્ગ જેવા પ્રોજેક્ટ્સને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી જેમાં ચેન્નાઈ-વ્લાદિવોસ્ટોક કોરિડોરનો સમાવેશ થાય છે, જે ટૂંક સમયમાં પ્રગતિ થવાની અપેક્ષા છે, જેથી પરિવહન સમય ઓછો થાય, ખર્ચ ઓછો થાય અને વ્યવસાય માટે નવા બજારો ખુલે. તેમણે ભાર મૂક્યો કે, ડિજિટલ ટેકનોલોજીની શક્તિ દ્વારા કસ્ટમ્સ, લોજિસ્ટિક્સ અને નિયમનકારી પ્રણાલીઓને વર્ચ્યુઅલ ટ્રેડ કોરિડોર દ્વારા જોડી શકાય છે, જેનાથી કસ્ટમ્સ ક્લિયરન્સ ઝડપી બને, કાગળકામ ઓછું થાય અને કાર્ગો અવરજવર સરળ બને.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે દરિયાઈ ઉત્પાદનોમાં રશિયાએ તાજેતરમાં ડેરી અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસ કરવા માટે લાયક ભારતીય કંપનીઓની યાદીનો વિસ્તાર કર્યો છે, જેનાથી ભારતીય નિકાસકારો માટે નવી તકો ઊભી થઈ છે. તેમણે ભાર મૂક્યો હતો કે ભારતના હાઈ ક્વોલિટી મરીન પ્રોડ્ક્ટસ, વેલ્યુ એડેડ સી-ફુડ અને પ્રોસેસ્ડ ફૂડની નોંધપાત્ર વૈશ્વિક માંગ છે અને કોલ્ડ ચેઇન લોજિસ્ટિક્સ, ડીપ-શી ફિશિંગ અને ફિશિંગ હાર્બર્સના આધુનિકીકરણમાં સંયુક્ત સાહસો અને ટેકનોલોજી ભાગીદારી રશિયાની સ્થાનિક માંગને પૂર્ણ કરી શકે છે, જ્યારે ભારતીય ઉત્પાદનો માટે નવા બજારો ખોલી શકે છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ભારત આજે સસ્તા અને કાર્યક્ષમ EV ટુ-વ્હીલર્સ અને CNG મોબિલિટી સોલ્યુશન્સમાં વૈશ્વિક નેતા છે, જ્યારે રશિયા અદ્યતન સામગ્રીનો મુખ્ય ઉત્પાદક છે. તેમણે ઉમેર્યું હતું કે બંને દેશો EV ઉત્પાદન, ઓટોમોટિવ ઘટકો અને શેર કરેલ ગતિશીલતામાં સહયોગ કરી શકે છે જે બંને સ્થાનિક જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે અને ગ્લોબલ સાઉથ, ખાસ કરીને આફ્રિકાના વિકાસમાં યોગદાન આપી શકે છે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ્સમાં ભારત વિશ્વની ઉચ્ચતમ ગુણવત્તાવાળી દવાઓ સસ્તા ભાવે પૂરી પાડે છે, જેના કારણે તેને “વિશ્વની ફાર્મસી”નો ખિતાબ મળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને દેશો રસી વિકાસ, કેન્સર ઉપચાર, રેડિયોફાર્માસ્યુટિકલ્સ અને API સપ્લાય ચેઇન, આરોગ્યસંભાળ સુરક્ષા વધારવા અને નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સહયોગ કરી શકે છે.
ટેક્સટાઈલ અંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે ભારત પાસે કુદરતી તંતુઓથી લઈને ટેકનિકલ કાપડ સુધીની નોંધપાત્ર ક્ષમતા છે જેણે ડિઝાઇન, હસ્તકલા અને કાર્પેટમાં વૈશ્વિક માન્યતા મેળવી છે. રશિયા પોલિમર અને કૃત્રિમ કાચા માલનો મુખ્ય ઉત્પાદક છે જે બંને દેશોને મજબૂત કાપડ મૂલ્ય શૃંખલા બનાવવા માટે સક્ષમ બનાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખાતરો, સિરામિક્સ, સિમેન્ટ ઉત્પાદન અને ઇલેક્ટ્રોનિક્સમાં સહકાર માટે સમાન તકો અસ્તિત્વમાં છે.
તમામ ક્ષેત્રોમાં સહયોગ વધારવામાં માનવશક્તિની ગતિશીલતા મુખ્ય ભૂમિકા ભજવે છે તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત “વિશ્વની કૌશલ્ય રાજધાની” તરીકે ઉભરી રહ્યું છે. તેમણે ભાર મૂક્યો કે ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આરોગ્યસંભાળ, બાંધકામ અને લોજિસ્ટિક્સમાં ભારતની યુવા પ્રતિભા વૈશ્વિક જરૂરિયાતોને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે. શ્રી મોદીએ કહ્યું કે રશિયાની વસ્તી વિષયક અને આર્થિક પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને, આ ભાગીદારી બંને દેશો માટે ખૂબ ફાયદાકારક છે. તેમણે ભાર મૂક્યો કે રશિયન ભાષા અને સોફ્ટ સ્કિલ્સમાં ભારતીય પ્રતિભાને તાલીમ આપીને, રશિયન-તૈયાર કાર્યબળ વિકસાવી શકાય છે, જે બંને દેશોની સહિયારી સમૃદ્ધિને વેગ આપશે.
બંને દેશોના નાગરિકો માટે પ્રવાસી વિઝા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આનાથી પર્યટનને વેગ મળશે, ટૂર ઓપરેટરો માટે નવી વ્યવસાયિક તકો ઊભી થશે અને રોજગારીની તકો ખુલશે.
ભારત અને રશિયા સહ-નવીનતા, સહ-ઉત્પાદન અને સહ-નિર્માણની નવી સફર પર સાથે મળીને શરૂઆત કરી રહ્યા છે તેના પર ભાર મૂકતા શ્રી મોદીએ ભાર મૂક્યો કે ધ્યેય ફક્ત દ્વિ-માર્ગી વેપાર વધારવા પૂરતો મર્યાદિત નથી પરંતુ વૈશ્વિક પડકારો માટે ટકાઉ ઉકેલો બનાવીને માનવતાની સુખાકારી સુનિશ્ચિત કરવાનો પણ છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ભારત આ યાત્રામાં રશિયા સાથે ખભે ખભો મિલાવીને ચાલવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને કહ્યું, “ચાલો આપણે મેક ઇન ઇન્ડિયા, ભારત સાથે ભાગીદારી કરીએ અને સાથે મળીને વિશ્વ માટે કંઈક કરીએ.” તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને રાષ્ટ્રપતિ પુતિન અને તમામ સહભાગીઓનો આભાર માન્યો હતો.