ગુજરાત સાયબર સેન્ટર ઓફ એકસલન્સીની મોટી કાર્યવાહી: ₹719 કરોડની છેતરપિંડી કેસમાં મ્યુલ એકાઉન્ટ ગેંગ ઝડપાઈ!

ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સીએ એક મોટી સફળતા હાંસલ કરી છે. મ્યુલ એકાઉન્ટ (Mule Account)ના મામલે સંડોવાયેલી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગની સંડોવણી ₹719 કરોડની જંગી છેતરપિંડી અને દેશભરના 1,594 ગુનાઓમાં હોવાનું બહાર આવ્યું છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ભા વનગર ખાતેથી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે છેતરપિંડીના નાણાં મેળવવા માટે બેંક એકાઉન્ટનો દુરુપયોગ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ગેંગે માત્ર એક જ બેંકની બ્રાન્ચમાં 109 જેટલા મ્યુલ ખાતાઓ ખોલાવ્યા હતા.
આટલી મોટી સંખ્યામાં ખાતાઓ ખોલાવવા અને નાણાંનું ટ્રાન્ઝેક્શન કરવામાં બેંક કર્મચારીઓની પણ મિલીભગત સામે આવી છે. બેંક કર્મચારીઓને આ કામગીરી બદલ ₹ 1 લાખ સુધીનું કમિશન મળતું હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. આરોપીઓ છેતરપિંડીના મુખ્ય સિન્ડિકેટને જ્યારે રોકડની અછત (કેશ ક્રંચ) હોય, ત્યારે રોકડ પૂરી પાડવાનું કામ કરતા હતા. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ હોવાનું સામે આવ્યું છે, જે દુબઈમાં રહીને આ સિન્ડિકેટ ચલાવતો હતો. આરોપી દિવ્યરાજસિંહ દુબઈમાં રહેતા છેતરપિંડીના મુખ્ય સિન્ડિકેટના સભ્યોને નાણાં પૂરા પાડવાનું કામ કરતો હતો. પોલીસે 10 આરોપીઓ સહિત મુખ્ય હેન્ડલર દિવ્યરાજસિંહની પણ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સીની આ કાર્યવાહીથી નાણાકીય ગુનાઓ અને બેંકિંગ ક્ષેત્રે ચાલી રહેલા ગેરકાયદેસર વ્યવહારો પર કડક અંકુશ મૂકવામાં મદદ મળશે.
Post Views: 122