યુએસ વર્ક પરમીટના નામે આંબાવાડીના યુવક સાથે ઠગાઈ

Spread the love

અમદાવાદના યુવકે યુએસ વર્ક પરમિટ માટે ઓનલાઇન કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો. જે બાદ ઇન્ટરવ્યૂ પણ આપ્યું અને ઓફર લેટર પણ મળ્યો હતો. યુએસમાં વર્ક પરમીટ માટે યુવકે ટુકડે ટુકડે 12 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ વર્ક પરમિટના કન્સલ્ટન્સી દ્વારા રિફંડની રકમ મધ્યસ્થી કરનારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. મધ્યસ્થી કરનારે યુવકને રિફંડની રકમ પરત આપી નહોતી જેથી યુવકે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આંબાવાડીમાં રહેતા હસમુખ મુછડીયા ખાનગી હોટલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. હસમુખભાઈને યુએસમાં કામ કરવા જવાનું હોવાથી તપાસ કરી રહ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી યુએસની એક્સેસ કન્સલ્ટન્ટ કંપનીનો સંપર્ક થયો હતો. કંપનીમાં વાતચીત કરતા કંપની દ્વારા યુએસએની કંપનીમાં કામ કરવા માટેનું ઇન્ટરવ્યૂ ગોઠવામાં આવ્યું હતું. જે બાદ ઓફર લેટર પણ આપવામાં આવ્યો હતો અને ઓફર લેટર સહી કરીને હસમુખભાઈએ પરત મોકલ્યો હતો.ઓફર લેટર પરત આપ્યા બાદ હસમુખભાઈ પાસેથી કન્સલ્ટન્સી દ્વારા નક્કી કરેલી ફી લેવામાં આવી હતી.હસમુખભાઈએ અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 12,00,000 આપ્યા હતા.જે રૂપિયા ડોલરમાં એક્સચેન્જ કરીને યુએસએની કંપનીમાં ટ્રાન્સફર કર્યા હતા. કામ આપ્યા બાદ ઘણા લાંબા સમય સુધી વર્ક પરમિટ આવી નહોતી.જેથી હસમુખભાઈએ પ્રોસેસ બંધ કરવા માટે કન્સલ્ટન્સીને જાણ કરી હતી.ત્યારે કેટલોક ચાર્જ કાપીને કન્સલ્ટન્સી દ્વારા 10.81 લાખ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા હતા. કન્સલ્ટન્સી દ્વારા મધ્યસ્થી કરનાર આર્યન નામના વ્યક્તિના બેંક ખાતામાં રિફંડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ અંગે હસમુખભાઈને જાણ કરવામાં આવી હતી. હસમુખભાઈએ જ્યારે આર્યન પાસે પૈસા માગ્યા ત્યારે આર્યને પૈસા આપવા માટે અલગ-અલગ બહાના બતાવ્યા હતા. લાંબા સમય સુધી પૈસા પરત આપ્યા ન હતા. જેથી હસમુખભાઈએ આર્યન વિરૂદ્ધમાં પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *