
છેલ્લા કેટલાક સમયથી મોલ અને શોપિંગ સેન્ટરના ચેન્જિંગ રૂમના સ્પાય વીડિયો વાઈરલ થયા બાદ યુવતીઓ અને મહિલાઓની પ્રાઈવસીને લઈ સવાલ ઉભો થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચેન્જિંગ રૂમમાં લાગેલા મિરર મારફત પણ તમારો સ્પાય વીડિયો બની શકે અથવા તમને કોઈ છુપી રીતે જોઈ શકે છે. ચેન્જિંગ રૂમમાં જો ટુ વે મિરર લગાવવામાં આવ્યો હોય તો મિરર સામે ઉભી રહેલી વ્યકિત પોતાને તો મિરરમાં જોઈ શકે છે. પણ મિરર પાછળ કોઈ હોય તો તે પણ સામેની વ્યકિતને નિહાળી શકે છે. આ કઈ રીતે થાય છે અને તેનાથી કઈ રીતે બચવું? તેની સમજ આપવા માટે સુરત પોલીસની ‘શી’ ટીમ એક અભિયાન ઉપાડ્યું છે.
સુરત મહિલા પોલીસની ટીમ હાલ અલગ અલગ શોપિંગ સેન્ટરમાં અને મોલમાં જઈને જ્યાં ચેન્જિંગ રૂમ હોય ત્યાં યુવતીઓ અને મહિલાઓને સિંગલ વે અને ટુ વે મિરર વચ્ચેનો ભેદ બતાવે છે. ચેન્જિંગ રૂમમાં ક્યાંય ટુ વે મિરર લાગ્યો હોય તો તેની ઓળખ કઈ રીતે કરવી તેની સમજ આપી રહી છે. ચેન્જિંગ રૂમમાં સ્પાય કેમેરા મૂકીને વીડિયો બનાવી લેવાતા હોય છે તે વાત હવે નવી નથી રહી. ખરીદી સમયે ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરતી યુવતી અને મહિલાઓને હંમેશા આ બાબતનો ડર રહેતો હોય છે અને તેઓ ચેન્જિંગના રૂમના ઉપયોગ પહેલા જાગૃત પણ રહેતા હોય છે. જો કે, ચેન્જિંગ રૂમમાં ટુ વે મિરરના ઉપયોગથી પણ કોઈ અજાણી વ્યકિત સ્પાય વીડિયો બનાવી શકે છે. આ બાબતને લઈને જ હાલ સુરત પોલીસની શી ટીમે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. મહિલા પોલીસ જવાનો અલગ અલગ મોલના ચેન્જિંગ રૂમમાં જઈને યુવતી અને મહિલાઓને લાઈવ ડેમો આપી જાગૃત કરી રહી છે.
આંગળીના ટેરવાની મદદથી તમે પણ મિરરની ઓળખ કરી શકશોઃ પોલીસ દ્વારા ટુ-વે મિરર ઓળખવા માટે જે સૌથી સરળ અને સચોટ પદ્ધતિ શીખવવામાં આવી રહી છે, તે છે ‘ધ ફિંગર ટેસ્ટ’. જો સામાન્ય મિરર હોય તો? જ્યારે તમે સામાન્ય કાચ પર આંગળીની ટોચ મૂકો છો, ત્યારે તમારી આંગળી અને કાચમાં દેખાતી તેની પ્રતિકૃતિ વચ્ચે નાનકડું અંતર દેખાશે. આ અંતર કાચની જાડાઈના કારણે હોય છે. જો ટુ વે મિરર હોય તો? જો તે ટુ-વે મિરર હશે, તો તમારી આંગળીની ટોચ સીધી પ્રતિકૃતિની ટોચને સ્પર્શશે કોઈ અંતર નહીં. કારણ કે આ પ્રકારના કાચમાં રિફ્લેક્ટિવ સપાટી આગળની તરફ હોય છે. આ નાનકડી પણ મહત્ત્વની જાગૃતતાથી ગ્રાહકો સેકન્ડોમાં રેગ્યુલર મિરર અને ટુ-વે મિરર વચ્ચેનો ભેદ પારખી શકે છે.
પાલ પોલીસ દ્વારા મોલ્સ અને શોરૂમ્સમાં ચેન્જિંગ રૂમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ઘણીવાર સ્પાય કેમેરા કે મિરરવાળા સ્થળોને ઓળખવામાં ગ્રાહકો નિષ્ફળ જતા હોય છે, જેના પરિણામે તેમની ખાનગી પળો રેકોર્ડ થઈ જાય છે. પોલીસે માત્ર જાગૃતિના અર્થે ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લીધા છે. આ કાર્યવાહી દ્વારા પોલીસનો લક્ષ્યાંક ગ્રાહકોને જાગૃત કરીને તેઓ પોતે જ આવા જોખમોને ઓળખી શકે અને તુરંત પોલીસનું ધ્યાન દોરી શકે તેવો છે.
આ પહેલ બાદ હવે ગ્રાહકોની પણ જવાબદારી બને છે કે તેઓ ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરતા પહેલા આ ‘ધ ફિંગર ટેસ્ટ’ દ્વારા મિરરની ચકાસણી કરે. પાલ પોલીસની આ સજાગ કાર્યવાહી સુરતના નાગરિકોને તેમની પ્રાઇવસીની સુરક્ષા માટે એક સક્રિય ભાગીદાર બનવા માટે પ્રોત્સાહિત કરે છે. જો તમને કોઈ જગ્યાએ શંકાસ્પદ મિરર કે કેમેરા જણાય, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા સુરક્ષા કર્મીનો સંપર્ક કરવો હિતાવહ છે. અત્યારે મોલ્સ અને હોટલમાં ચેન્જિંગ રૂમમાં મિરર લાગેલા હોય છે. મહિલાઓ એક જ સેકન્ડમાં જાણી શકે કે મિરર ઓકે છે કે નહીં તે બાબતે અમે જાગૃતિ લાવી રહ્યા છીએ.મોલમાં જ્યારે મિરર લગાવ્યો હોય તેના પર આંગળી મૂકો અને મિરર વચ્ચે ગેપ આવે તો માની લો કે તે રેગ્યુલર મિરર છે. જો આંગળી મુકતા જગ્યા ન રહે તો તે ટુ વે મિરર છે. જો ટુ વે મિરર હોય તો પાછળથી કોઈ વ્યકિત તમને જોઈ રહ્યું હોય અથવા ફોટો વીડિયો બનાવી શકે છે.