ડેનિશ ફાર્માસ્યુટિકલ કંપની નોવો નોર્ડિસ્કએ આખરે ભારતમાં તેની બહુપ્રતિક્ષિત ડાયાબિટીસ દવા ઓઝેમ્પિક લોન્ચ કરી છે. 0.25 મિલિગ્રામની શરૂઆતી માત્રાની કિંમત ₹2,200 પ્રતિ સપ્તાહ છે. રોઇટર્સના અહેવાલ મુજબ, કંપની ભારતમાં આ ઇન્જેક્શન 0.25 મિલિગ્રામ, 0.5 મિલિગ્રામ અને 1 મિલિગ્રામના ડોઝમાં વેચશે. ઓઝેમ્પિક એ ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે એક ઇન્જેક્શન છે અને તેને સપ્તાહમાં એક વખત લેવાની જરૂર પડશે.
ભારતમાં ઓઝેમ્પિક કિંમતો
ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ સાપ્તાહિક ઇન્જેક્શનને 2017 માં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારથી, તે વૈશ્વિક સ્તરે સૌથી વધુ વેચાતી દવા બની ગઈ છે. જ્યારે તેના ભૂખ ઘટાડવાની અસરોને કારણે તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે ખોટી રીતે થઈ રહ્યો છે.
દવાનો સૌથી ઓછો ડોઝ દર સપ્તાહ ₹2,200 ની કિંમતે વેચાશે. મીડિયા અહેવાલો અનુસાર, કંપનીએ અન્ય ડોઝની કિંમતો પણ જાહેર કરી છે. કંપની અનુસાર, 1 મિલિગ્રામ ડોઝની કિંમત ₹11,175 પ્રતિ મહિને થશે. 0.5 મિલિગ્રામ ડોઝનો દર મહિને ₹10,170 ખર્ચ થશે. 0.25 મિલિગ્રામ ડોઝનો દર મહિને ₹8,800 ખર્ચ થશે. સાપ્તાહિક ધોરણે 0.25 મિલિગ્રામની શરૂઆતની કિંમત ₹2,200 પ્રતિ સપ્તાહ હશે.
ભારતમાં ઓઝેમ્પિકને ક્યારે મંજૂરી આપવામાં આવી હતી?
ભારતના ડ્રગ રેગ્યુલેટર, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ આ વર્ષે ઓક્ટોબરમાં ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ઓઝેમ્પિક (સેમાગ્લુટાઇડ) ના ઉપયોગને મંજૂરી આપી હતી. યુનાઇટેડ સ્ટેટ્સમાં FDA અનુસાર, ઓઝેમ્પિકને આહાર અને કસરત સાથે લેવામાં આવે છે જેથી ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં ગ્લાઈસેમિક નિયંત્રણ સુધારવામાં મદદ મળી શકે અને ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં જેમને પહેલાથી જ હૃદય રોગ છે, પ્રમુખ હૃદય સંબંધી સમસ્યાઓના જોખમને ઘટાડી શકાય.
વજન ઘટાડવા માટે ઓઝેમ્પિક કેવી રીતે કાર્ય કરે છે
ઓઝેમ્પિક (Ozempic), જેનો સક્રિય ઘટક સેમાગ્લુટાઇડ (Semaglutide) છે, મુખ્યત્વે ટાઇપ 2 ડાયાબિટીસની સારવાર માટે વિકસાવવામાં આવી હતી. જો કે, તે વજન ઘટાડવા માટે પણ અસરકારક સાબિત થયું છે, જેના કારણે તે વધુને વધુ લોકપ્રિય બન્યું છે. ઓઝેમ્પિક શરીરમાં કુદરતી રીતે બનતા હોર્મોન જીએલપી-1 (Glucagon-like peptide-1) ની જેમ કામ કરે છે. આ હોર્મોન ખાધા પછી આંતરડામાંથી નિકળે છે. ઓઝેમ્પિક મગજને સંકેત મોકલે છે કે તમારુ પેટ ભરેલુ છે, જેનાથી તમને ભૂખ ઓછી લાગે છે અને તમે ઓછી કેલરીનું સેવન કરો છો.
Disclaimer(આ લેખમાં સૂચવેલ ટિપ્સ ફક્ત સામાન્ય માહિતી માટે છે. કોઈપણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા, તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ રોગ માટે કોઈપણ પગલાં લેતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો. ABP LIVE કોઈપણ દાવાની સત્યતા ચકાસતું નથી.)