અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તંગદિલી વધતી જઈ રહી છે. અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કહ્યું હતું કે વેનેઝુએલા દ્વારા જમીની માર્ગો દ્વારા અમેરિકામાં મોકલવામાં આવતા ડ્રગ્સને રોકવા માટે અમે ટૂંક સમયમાં જ જમીની હુમલા શરૂ કરી દઈશું. ટ્રમ્પ છેલ્લા કેટલાક દિવસોમાં અનેકવાર વેનેઝુએલા સામે મોટી કાર્યવાહી કરવાની ધમકી આપી ચૂક્યા છે ત્યારે આ સૌની વચ્ચે રશિયન પ્રમુખ પુતિનની એન્ટ્રી થઇ છે.
માદુરો સાથે પુતિને કરી વાતચીત
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને કોલ કર્યો હતો અને તેમને સમર્થન જાહેર કરી દીધું હતું. જેનાથી અમેરિકા અને ટ્રમ્પ માટે પણ હવે યુદ્ધની શરૂઆત કરવાનો નિર્ણય ચિંતાજનક સાબિત થઇ શકે છે. પુતિને માદુરોને દરેક સંભવ મદદ આપવાની જાહેરાત કરી દીધી છે. પુતિનની આ જાહેરાત પણ એવા સમયે સામે આવી છે જ્યારે ટ્રમ્પ સતત માદુરોને નિશાન બનાવી રહ્યા છે.
રશિયાએ આપી વિગતો
રશિયાના ક્રેમલિને માહિતી આપી હતી કે પ્રમુખ પુતિને ગુરુવારે તેમના લાંબા સમયથી મિત્ર રહેલા વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત અમેરિકન સૈન્ય દ્વારા વેનેઝુએલાના કિનારે એક ઓઈલ ટેન્કરને જપ્ત કરાયા બાદ બંને દેશો વચ્ચે વધતા તણાવને પગલે યોજાઈ હતી.