વેટરનરી ડૉક્ટરે લોકોને આપી ચેતવણી.રાજકોટ : ગૌશાળામાં એક સાથે ૯૦ ગાયોના મોત.આ ઘટના ગૌશાળાઓમાં ખોરાક વ્યવસ્થા અને સંરક્ષણની ખામીના કારણે થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી.રાજકોટ જિલ્લો ગૌપાલન અને પશુસંરક્ષણની પરંપરામાં હંમેશા અગ્રેસર રહ્યો છે. અહીં અનેક ગૌશાળાઓ આવેલી છે, જેમાં હજારો ગાયોનું પાલન-પોષણ અને સુરક્ષા કરવામાં આવે છે.
આ ગૌશાળાઓમાં ગાયોને આરોગ્યપૂર્ણ જીવન આપવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે, જેમ કે નિયમિત તપાસ, પોષણક્ષમ ખોરાક અને વેટરનરી સેવાઓ આપવામાં આવે છે. જાેકે, ગાયોના આરોગ્યને લગતી કાળજી અત્યંત મહત્વની છે, કારણ કે તેમની સુરક્ષા સમાજની સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ સાથે જાેડાયેલી છે. આજે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી પંથકમાં આવેલી એક ગૌશાળામાં આશરે ૯૦ ગાયોના અકાળ મોતની ઘટના બની છે, જેણે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને ચિંતા પેદા કરી છે. આ ઘટના ગૌશાળાઓમાં ખોરાક વ્યવસ્થા અને સંરક્ષણની ખામીઓના કારણે થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા માલધારી અગ્રણી રણજીત મુંધવાએ કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે, આવી ઘટનાઓમાં જવાબદાર વ્યક્તિઓ સામે કઠોર પગલાં લેવા જાેઈએ, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય. તેમણે તંત્રને ગૌમાતાની સુરક્ષા માટે વધુ જવાબદાર બનવા અપીલ કરી છે. સાથે જ ગૌપ્રેમીઓ અને સ્થાનિક સમુદાયે પણ આ ઘટનાની તપાસ માટે આવાજ ઉઠાવ્યો છે. તેઓ માંગ કરે છે કે, જવાબદાર વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને ગૌશાળાઓમાં સુરક્ષા માપદંડોને વધુ મજબૂત કરવામાં આવે.
આ બાબતે રાજકોટના જાણીતા વેટરનરી ડૉક્ટર અરવિંદ ગડારાએ વિસ્તૃત માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, ઘણી વખત લગ્ન પ્રસંગો, તહેવારો કે અન્ય સામાજિક કાર્યક્રમોમાં ખોરાક વધતો હોય છે, જે પછી બગડી ન જાય તે માટે ગૌશાળાઓમાં મોકલી દેવામાં આવે છે. આ પ્રથા દેખીતી રીતે ગૌપ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ તે ગાયો માટે જાેખમી સાબિત થઈ શકે છે. કારણ કે આવા ખોરાકમાં બગાડ, જીવાણુઓ, મસાલા અથવા અન્ય હાનિકારક તત્વો હોઈ શકે છે, જે ગાયોના પાચનતંત્રને અસર કરી શકે છે.
પરિણામે, ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર સમસ્યાઓ ઉદ્ભવે છે, જે અકાળ મોતનું કારણ બને છે. ડૉ. ગડારા મુજબ, ગાયોનું પાચનતંત્ર માનવીઓ કરતા અલગ હોય છે, અને તેમને મસાલેદાર કે તળેલો ખોરાક આપવો તેમના આરોગ્ય માટે ઝેર સમાન છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગૌશાળાઓમાં ગાયોને મુખ્યત્વે લીલોચારો, ઘાસ અથવા લિલ જેવા કુદરતી ખોરાક આપવામાં આવે છે.
આ ખોરાક તેમના માટે આદર્શ છે, પરંતુ તે પણ યોગ્ય તપાસ વિના આપવું જાેખમી છે. જાે ચારો બગડેલો હોય, તેમાં ફૂગ લાગી ગઈ હોય, અથવા તેમાં કીટનાશકો કે રાસાયણિક તત્વો મિશ્રિત હોય, તો તે ગાયોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.