કેટલાકે કમિશન માટે એકાઉન્ટ ભાડે આપ્યાં : ખોટી પેઢી બનાવી એકાઉન્ટ ખોલાવ્યાં
નવગુજરાત સમય, મહેસાણા
દેશ-વિદેશમાં સાયબર ગઠિયાઓ લોકોની સાથે વિવિધ પ્રકારે છેતરપિંડી કરીને ઓનલાઈન નાણાં વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને કે કરાવીને સાયબર ફ્રોડ કરતા હોય છે, સાયબર ફ્રોડનાં નાણાં સગેવગે કરવા માટે વપરાતાં બેન્ક ખાતાંના ધારકો સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે મહેસાણા જિલ્લામાં આવાં વધુ ચાર મ્યુલ એકાઉન્ટ મળી આવતાં સંબંધિત પોલીસ મથકોમાં એકાઉન્ટધારકો સામે ગુના નોંધાયા છે.
ખેરાલુ પોલીસ મથકે કનુભાઈ જયંતીભાઈ સાધુ, રાહુલકુમાર જોઈતાભાઈ ચૌધરી (બંને રહે.વિઠોડા, તા.ખેરાલુ) અને વિક્રમ લોડર નામના શખ્સ સામે નોંધાયેલી ફરિયાદ મુજબ ખેરાલુની બેન્ક ઓફ બરોડામાં મ્યુલ એકાઉન્ટની વિગત મળતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આ એકાઉન્ટ અતુલ એન્ટરપ્રાઈઝના નામે કનુભાઈ સાધુના ડોક્યુમેન્ટ આપીને ખોલાયું હતું. જેમાં આપેલા ધંધાના સ્થળે હાલમાં કોઈ ફર્મ ચાલતી નહોતી. રાહુલકુમાર ચૌધરી વિક્રમ લોડર નામના એક શખ્સના સંપર્કમાં આવ્યા હતા અને તેણે એકાઉન્ટ ભાડે રાખીને કમિશન આપવાની વાત કરતાં રાહુલકુમાર ચૌધરી સાથે મળીને કનુભાઈએ આ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને વિક્રમ લોડરને ભાડે આપી કમિશન મેળવ્યું હતું. આ એકાઉન્ટમાં તા.૨૪-૧૦-૨૪થી તા.૧૫-૧૧-૨૪ સુધી કુલ રૂ.૪૯.૪૯ લાખનું ટર્નઓવર થયેલું હતું. હરિયાણા, મધ્યપ્રદેશ, તમિલનાડુ, બિહાર, સુરત-ગુજરાત, કર્ણાટક, ઓડીસા, તેલંગણામાં થયેલા ૧૩ સાયબર ફ્રોડના ગુનાના કુલ રૂ.૬૧,૯૪૯ જેટલી રકમનાં ટ્રાન્ઝેક્શન આ ખાતામાં થયાં હતાં.
વિજાપુરના લાડોલ પોલીસ મથકે વનરાજસિંહ અરવિંદસિંહ વિહોલ (રહે.મીરઝાપુર, તા.વડનગર) અને રાજેશકુમાર કાંતિલાલ પંચાલ (રહે.કોદરામ, તા.વડગામ, મૂળ રહે.વસ્ત્રાલ, તા.દસક્રોઈ, જિ.અમદાવાદ) વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ વિજાપુરના માઢી ગામની યુનિયન બેન્કના મ્યુલ એકાઉન્ટ અંગે લાડોલ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ઉપરોક્ત એકાઉન્ટ નરસાજસિંહ વિહોલના નામે તેમનાં ડોક્યુમેન્ટ આપીને તા.૨૪-૧૨-૨૧થી ખોલાવાયેલું હતું. આ ખાતામાં તા.૨૪-૧૨-૨૧થી તા.૧૬-૦૯-૨૫ સુધી આ ખાતામાં કુલ રૂ.૧.૭૮ કરોડથી વધુનું ટર્નઓવર થયેલું છે. વનરાજસિંહના કહેવા મુજબ રાજેશકુમાર પંચાલ તેમજ તેના મિત્ર પંકજ તિવારી બંને તેમના આ ખાતામાં પૈસા નખાવતા હતા અને તેઓ પૈસા ઉપાડીને રાજેશકુમારને આપતા અને તેમને એક ટકા લેખે કમિશન મળતું હતું. ઉલ્લેખનિય છે કે, આ ખાતામાં પશ્ચિમ બંગાળ સહિતના કુલ પાંચ સાયબરફ્રોડનાં નાણાં રૂ.૨૧.૩૦ લાખ જમા આવ્યા હતા અને તે ઉપાડી લેવાયા હતા.
વિજાપુર તાલુકાના વસાઈ પોલીસ મથકે ધર્મેશભાઈ રમેશભાઈ પટેલ (રહે.વસાઈ, આશ્રમપુરા, તા.વિજાપુર) સામે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ બેન્ક ઓફ બરોડાની કુકરવાડા શાખાના મ્યુલ એકાઉન્ટ અંગે મળેલી માહિતી આધારે વસાઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આ એકાઉન્ટ વસાઈના ધર્મેશભાઈ પટેલે તેમના નામનાં ડોક્યુમેન્ટ આપીને તા.૫-૨-૨૫ના રોજ ખાલાવેલું છે. જેમાં તા.૫-૨-૨૫થી તા.૩-૮-૨૫ સુધી કુલ રૂ.૭.૯૫ કરોડથી વધુનું ટર્નઓવર થયેલું છે. કર્ણાટક અને નોઈડામાં થયેલા બે સાયબર ફ્રોડના કુલ રૂ.૩.૪૫ લાખ મળતીયાઓ મારફત આ ખાતામાં જમા કરાયા છે અને તે રકમ રમેશભાઈએ વિવિધ સેલ્ફ ચેકથી ઉપાડી લીધેલી છે.
ઉલ્લેખનિય છે કે, દેશ-વિદેશમાં થઈ રહેલા સાયબર ફ્રોડને નાથવા માટે ભારત સરકાર દ્વારા NCCRP અને SAMANYA પોર્ટલ કાર્યરત કરાયાં છે. દેશભરમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનાઓમાં નાણાં સગેવગે કરવા ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાઓની વિગતો પણ આ પોર્ટલ પર મુકવામાં આવે છે. પોર્ટલ પરથી મળેલી મ્યુલ એકાઉન્ટની માહિતી આધારે પોલીસ દ્વારા તેમના વિસ્તારના મ્યુલ એકાઉન્ટ અંગે તપાસ કરીને ગુના દાખલ કરવામાં આવે છે.
ઊંઝામાં પેઢીનું ખાતુ ખોલાવી સાયબર ફ્રોડમાં ઉપયોગ કરાયો
ઊંઝા : સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા ઊંઝાની કેનેરા બેન્કના ખાતાની માહિતી મળતાં ઊંઝા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે રહેતા સુભાષકુમાર ભરતભાઇ ભીખાભાઈ રાવળે ઠગાઈ કરવાના ઇરાદે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉનાવા ખાતે સુભાષ ટ્રેડર્સ નામે પેઢી બનાવી કેનેરા બેન્કમાં કરંટ બેંક ખાતું ખોલાવ્યું હતું. ખાતું ખોલાવ્યા બાદ તે બેન્ક ખાતાની બેન્કિંગ એક્સેસ જાતે ઓપરેટ કરી તે બેન્ક ખાતામાં પ્રત્યેષ કે પરોક્ષ રીતે નાણાંકીય લાભ લેવા સારું ભારતના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોનાં નાણાં મળતિયા મારફતે પોતાના ખાતામાં મેળવીને તે નાણાં અલગ અલગ ચેક દ્વારા ઉપાડી લીધાં હતાં. આ ખાતામાં તા.27 મે 2024 થી 10 ડિસેમ્બર 2025 સુધી કુલ 24.13 લાખથી વધુનું ટર્નઓવર થયેલું છે. જેમાં આસામ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, તેલંગણા, દિલ્હી ઈસ્ટ, દિલ્હી વેસ્ટ, ગુજરાત, ઓડીસા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં થયેલા કુલ ૨૪ સાયબર ફ્રોડના કુલ રૂ.રૂ.7,52,263 વિવિધ ટ્રાન્ઝેક્શનથી જમા થયેલા છે અને તે તેમણે કેશ કે ચેકથી ઉપાડી લઈ પોતાના અંગત ઉપયોગ માટે વાપરેલા હોવાનું જણાયું છે.