ગૌ સેવાના નામે ચાલતાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ: અવધૂત આશ્રમની ગૌશાળાના સંચાલક કલ્યાણગીરી બાપુની ધરપકડ

Spread the love

 

ધાર્મિક આસ્થાનું પ્રતીક ગણાતા જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ગૌ સેવાના નામે ચાલતા એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો ચોંકાવનારો (Kalyangiri Bapu Arrested) ખુલાસો થયો છે. જૂનાગઢથી અંદાજે 15 કિલોમીટર દૂર આવેલા કેરાડા ગામમાં સ્થિત અવધૂત આશ્રમની ગૌશાળાને આ કૌભાંડનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવી રહ્યું છે.

આ આશ્રમ ભવનાથ ખાતે આવેલા મુખ્ય અવધૂત આશ્રમનો જ એક ભાગ હોવાનું જાણવા મળ્યું છે. ગૌશાળાનું સંચાલન કરનાર અને પોતાને ધર્મગુરુ તરીકે રજૂ કરનાર કલ્યાણગીરીને સમગ્ર સાયબર ફ્રોડ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવી રહ્યો છે.

પોલીસ તપાસ મુજબ, કલ્યાણગીરી આશ્રમમાં આવતા યુવાનોને ધન-સંપત્તિ અને સરળ કમાણીની લાલચ આપી પોતાના વિશ્વાસમાં લેતો હતો. બાદમાં તે યુવાનો પાસેથી તેમના બેંક એકાઉન્ટની વિગતો મેળવી, સાયબર ફ્રોડથી મેળવેલા નાણાંની હેરાફેરી માટે તેનો ઉપયોગ કરતો હતો. આ રીતે ધાર્મિક આસ્થાના કેન્દ્રનો ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે જૂનાગઢ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા છેલ્લા ચાર દિવસથી કલ્યાણગીરીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં આ નેટવર્કની ઊંડાઈ અને વ્યાપનો અંદાજ આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભવનાથ વિસ્તારમાં આવેલા તમામ ધાર્મિક ટ્રસ્ટોની પણ તપાસ હાથ ધરવામાં આવશે. દરેક ટ્રસ્ટની છેલ્લા પાંચ વર્ષની બેંક ડીટેલ્સ મેળવી તપાસ કરાશે અને શંકાસ્પદ લેવડદેવડ જણાશે તો સંબંધિત લોકોની પૂછપરછ કરવામાં આવશે. દિવાળી દરમિયાન મુંબઈ અને દિલ્હીથી કેટલાક ઈસમો ભવનાથ વિસ્તારમાં આવી આ પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. તે સમયે અનેક આશ્રમોની મુલાકાત લેવાઈ હતી. આવા તમામ શંકાસ્પદ બેંક એકાઉન્ટની તપાસ સાઇબર સેલ દ્વારા કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ એકાઉન્ટ ધરાવતા તમામ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ગૌશાળામાં હિંચકા પર બેઠા કલ્યાણગીરી યુવાનોને ઉપદેશ આપતો હતો, જેના પ્રભાવ હેઠળ અનેક યુવાનો પોતાના બેંક એકાઉન્ટ તેને સોંપી બેઠા હતા. બેંકમાંથી નાણાં ઉપાડ્યા બાદ યુવાનોને ટકાવારી આપવામાં આવતી હતી. દરેક લેવડદેવડ દરમિયાન કલ્યાણગીરીનો એક વ્યક્તિ ખાતેદાર સાથે હાજર રહેતો હતો. યુવાનોને ડર્યા વગર કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા.

આરોપી કલ્યાણગીરી સોશિયલ મીડિયામાં પણ સક્રિય હતો અને તેના પાંચ હજારથી વધુ ફોલોઅર હોવાનું સામે આવ્યું છે, જેમાં મોટાભાગના 18થી 28 વર્ષની વયના યુવાનો છે. તેની વાતોમાં આવી અનેક યુવાનો ફસાયા હતા. હાલ પોલીસ કાર્યવાહી બાદ કેટલાક યુવાનો ફરાર થઇ ગયા હોવાની પણ માહિતી મળી છે. જો કે ગૌશાળાના સંચાલક કલ્યાણગીરીની છેલ્લા ત્રણ દિવસથી સતત પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ દ્વારા વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *