
ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં રહેતા અને એક ખાનગી મિલમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરતા યુવાનને ઓનલાઈન પાર્ટ-ટાઇમ જોબ વર્ક ફ્રોમ હોમની લાલચ ભારે પડી છે. સાયબર ઠગોએ ટાસ્ક પૂરો કરવા બદલ પ્રથમ નાની રકમ પરત કરીને વિશ્વાસ કેળવી પ્રિ પેઇડ ટાસ્કના બહાને વિવિધ બેંક ખાતાઓમાં ટુકડે-ટુકડે 16 લાખની રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરવામાં આવતા ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના સાંતેજ ટાટા હાઉસિંગ વિસ્તારમાં ન્યૂ હેવન ફ્લેટમાં રહેતો અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરતા 29 વર્ષીય રવિકાંત બ્રિજનંદન વર્માને ગત તા. 14 ઓગસ્ટ 2025ના રોજ વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી ‘વર્ક ફ્રોમ હોમ’ માટેનો મેસેજ મળ્યો હતો. આથી રવિકાંતે વર્ક ફ્રોમ હોમ કામ કરી પૈસા કમાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે સામેવાળી વ્યક્તિએ તેને www.kartraonlineplatform.com નામની વેબસાઇટ આપીને નાના ટાસ્ક કરાવ્યા હતા. શરૂઆતમાં તેને રૂ. 800 અને રૂ. 4000 જેટલો પ્રોફિટ એસબીઆઈ ખાતામાં જમા થયો હતો. જેથી રવિકાંતને વધુ પડ્યો વિશ્વાસ બેસી ગયો હતો.
બાદમાં તેને ‘પેઇડ ટાસ્ક’ અને વધુ પ્રોફિટ મેળવવાની લાલચ આપવામાં આવી હતી. આ માટે તેને ટેલિગ્રામ પર એક ગ્રુપમાં જોડીને જુદા-જુદા દિવસોમાં અલગ અલગ બેંકોના ખાતાઓમાં રકમ જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. જેથી રવિકાંતે વધુ નફાની આશાએ તા. 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ 2025 દરમિયાન કુલ રૂ. 16,52,807 યુકો બેંક, ફિનો પેમેન્ટ્સ બેંક, યુનિયન બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતના ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. જોકે તેના એકાઉન્ટમાં રૂ. 22 લાખથી વધુનો પ્રોફિટ બતાવ્યા છતાં જ્યારે તેણે રકમ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે શકય બન્યું ન હતું. જેના પગલે તેણે ટેલિગ્રામ આઈડી પર વાત કરતા ઠગ બાજોએ રકમ વિડ્રો કરવા માટે ‘પ્રોફિટના 50% વધુ ભરવા પડશે તેમ જણાવ્યું હતું. ત્યારે જઈને રવિકાંતને પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થયો હતો. ઠગબાજોએ કુલ ટ્રાન્સફર કરેલી રકમમાંથી માત્ર રૂ. 48,734 જ પરત કરતા સમગ્ર મામલે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરી હતી. જેના પગલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કુલ રૂ. 16,04,073 ની છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.