
અમદાવાદના કુબેરનગર ITI રોડ પર આવેલા કમલ (ઉમલા) તળાવમાં 16 ડિસેમ્બરની સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. તળાવમાં 150 જેટલા કાચા-પાકા મકાનો ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ ખાલી ન કરવામાં આવતા સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. મકાનો તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની નજર સામે જ ઘર તબાહ થતાં જોઈને મહિલાઓ, બાળકો અને પુરુષો જેવા પુુરુષો પણ રડી પડ્યાં હતાં. મહિલાઓની તો રડી રડીને હાલત ખરાબ થઈ જવા પામી હતી. આ દરમિયાન એક મહિલા બેભાન પણ થઈ ગઈ હતી. સ્થાનિકોની માગ છે કે, અમે બીજે જવા માટે તૈયાર છીએ, પરંતુ અમને વૈકલ્પિક મકાનની વ્યવસ્થા આપવામાં આવી નથી.
કમલા તલાવડી વિસ્તારમાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, જે મંદિરને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ પૂરતું નહીં તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તલાવડીના વિસ્તારમાં આ મંદિર રહેવા દેવામાં આવશે. મંદિરનું ડિમોલેશન હાલ પૂરતું નહીં કરાય. પણ આ મંદિરની બાજુમાં ખૂબ મોટો બે માળનો બંગલો બનાવી દેવામાં આવ્યો હતો, જે તળાવનો સૌથી મોટો બંગલો હોવાનું પ્ણ કહેવામાં આવી રહ્યું છે. આ બંગલાને પ્રિન્સિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં તોડવામાં વધારે મહેનત થઈ રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આ બંગલો બનાવવામાં આવ્યો હતો. વધુમાં અરુણાબેન નામના સ્થાનિક મહિલા જણાવ્યું હતું કે, હું વિધવા છું, મારી આ જગ્યા ઉપર એક જ ઓરડી હતી. છેલ્લા 50 વર્ષથી હું અહીંયા રહેતી હતી. અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી. અમારું મકાન તમે પાડી દો એનો વાંધો નથી પણ અમને સામે રહેવા માટે બીજી જગ્યા પણ આપો એવી અમારી માંગણી છે. મનસ્વી નામની બાળકીએ રડતા-રડતા જણાવ્યું હતું કે, મારા દાદા પેરેલાઇઝ છે અને મારી માતાનું પણ ઓપરેશન કરેલું છે, હું છેલ્લા એક મહિનાથી સ્કૂલે ગઈ નથી. જ્યારથી અમને નોટિસ આપવામાં આવી છે, ત્યારથી અમે ગયા નથી. મારુ ભણતર બગડ્યું છે. વર્ષોથી અમે અહીંયા રહેતા હોવા છતાં પણ અમને હવે મકાન ખાલી કરી દેવા કહેવામાં આવ્યું. જો અમને બીજે ક્યાંય મકાન આપવામાં આવે તો અમે જવા માટે તૈયાર છીએ.