અમદાવાદમાં જૈન દેરાસરના કૂવામાં પડેલા પિતા-પુત્રીનું રેસ્કયૂ

Spread the love

 

ચાંદલોડિયામાં જૈન દેરાસરના કૂવામાં પિતા-પુત્રી પડતા ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યું. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ગઈકાલે(15 ડિસેમ્બર) રાત્રે ગજરાજ સોસાયટીમાં આવેલા જૈન દેરાસરના 60 ફૂટ ઊંડા પાણી ભરેલા બોરવેલ કૂવામાં દેરાસરમાં જ માળી કામ કરતા પરિવારની દીકરીનો પગ લપસતા કૂવામાં ખાબકી હતી. જાણ થતાં જ પિતાએ દીકરીને બચાવવા કૂવામાં છલાંગ લગાવી. આ ઘટના દરમિયાન ત્યાં હાજર સ્થાનિકોએ બંને પિતા-પુત્રીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને પાણીમાં હોવાના કારણે અને ખેંચીને બહાર કાઢી શકાય તેમ ન હોવાના કારણે છેવટે ફાયરબ્રિગેડની ટીમને કોલ કરાયો હતો. બોરવેલમાં પાણી હોવાથી અને બનાવને લાંબો સમય વિતવાથી પિતા-પુત્રી ડૂબવાની તૈયારીમાં હતા, ત્યાંજ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી 20 મિનિટમાં જ રેસ્કયૂ ઓપરેશન કરી અંજલી સેની (ઉ. વ. 19) અને રાજેશભાઈ સેની (ઉ. વ .45)ને બહાર કાઢી સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
નવરંગપુરા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર હિતેશ પટેલે જણાવ્યું હતું કે ચાંદલોડિયા વિસ્તારમાં ગજરાજ સોસાયટીમાં આવેલા એક જૈન દેરાસરના કૂવામાં બે લોકો પડી ગયા હોવા અંગેનો મેસેજ મળ્યો હતો. જેના પગલે ફાયર સ્ટેશનથી મીની ટેન્કર અને અન્ય વાહન સાથે ફાયરની રેસ્કયૂ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. સબ ઓફિસર ભૂમિત મિસ્ત્રી અને અન્ય ફાયરના જવાનો સાથે અમે ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. યુવતી અને એક વ્યક્તિ મંદિરના પ્રવેશ દ્વાર પાસે જ આવેલા ઊંડા બોરવેલના કૂવામાં પડેલા હતા. બોરવેલમાં પાણી ભરેલું હતું. બંને ડૂબવાની તૈયારીમાં હતા. ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક ધોરણે તેઓને રેસ્ક્યૂ કરવા માટે મોટો રસ્સો અને સાધન સાથે એક ફાયરના જવાનને નીચે ઉતાર્યો હતો. રસ્સા વડે તેઓને બાંધીને એક બાદ એક બંનેને ઉપર લાવવામાં આવ્યા હતા. સૌપ્રથમ યુવતીને બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ તેના પિતાને બહાર કાઢવામાં આવ્યા હતા. અંદાજિત 20 મિનિટમાં જ બંનેને બોરવેલમાંથી ખેંચી બહાર કાઢી લેવાયા હતા. તાત્કાલિક 108 અને ફાયરબ્રિગેડની ગાડીમાં બંનેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવાયા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે જૈન દેરાસરમાં પ્રવેશ કરીએ ત્યાં જ વર્ષો જૂનો ઊંડો બોરવેલ કૂવો આવેલો હતો. પાંચ ફૂટ પહોળાઈ અને અંદાજિત 50થી 60 ફૂટ ઊંડો બોરવેલ હતો. ફાયર બ્રિગેડની ટીમને મોડી જાણ કરવામાં આવી હતી. બંને લગભગ ફાયરની ટીમ પહોંચી તેના 30 મિનિટ પહેલા પડ્યા હોવાથી સ્થાનિકોએ દોરડા વડે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓને ખેંચીને સ્થાનિક લોકો બહાર કાઢી શક્યા નહીં. જે બાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બોરવેલમાં પડ્યા તેમનું નામ અંજલી સેની (ઉ. વ. 19) અને રાજેશભાઈ સેની (ઉ. વ .45) હોવાનું જાણવા મળ્યું છે. રાજેશભાઈ અને તેમનો પરિવાર જૈન મંદિરમાં જ માળી તરીકેનું કામ કરે છે. સ્થાનિક વ્યક્તિના જણાવ્યા મુજબ અંજલીબેન ત્યાં કામ કરતા હતા અને અચાનક જ તેમનો પગ બોરવેલના કૂવામાં પડી જતા તેઓ અંદર પડ્યા હતા. પડી જવાનો અવાજ આવવાની સાથે જ તરત જ તેમના પિતા રાજેશભાઈ દોડ્યા હતા અને તેમને તરતા આવડતું હોવાના કારણે તેઓ તેને બચાવવા માટે અંદર પડ્યા હતા, પરંતુ બંને બહાર નીકળી શક્યા નહોતા. બંનેનો અવાજ આવતો હતો જેથી બહાર બેઠેલા લોકો અને યુવતીની માતા તાત્કાલિક દોડ્યા હતા અને તેઓને જાણ થઈ હતી કે બંને અંદર પડી ગયા છે. સ્થાનિકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડે બંનેને સહી સલામત બચાવી લીધા હતા. હાલ આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. બંનેને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *