બાંગ્લાદેશની સ્થિતિ હાલ ખુબ કથળી ગઈ છે. અનેક શહેરો હિંસાની ચપેટમાં આવી ગયા છે. લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. બેકાબૂ ભીડે એક હિન્દુ યુવકની નિર્મમ હત્યા કરી નાખી. જેની ઓળખ 27 વર્ષના સનાતની હિન્દુ દીપુચંદ્ર દાસ તરીકે થઈ હતી. આ હત્યા બાદ માહોલ વધુ બગડી ગયો છે. હિન્દુઓને બચાવવાની પણ લોકો માંગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે આ હત્યા મામલે બાંગ્લાદેશમાં 7 લોકોની ધરપકડ થઈ છે.
7 લોકોની ધરપકડ
આ મામલે વિશે એક્સ પર એક પોસ્ટ શેર કરી મોહમ્મદ યુનુસે કહ્યું કે રેપિડ એક્શન બટાલિયન (RAB)એ મૈમનસિંહના બાલુકામાં એક સનાતન હિન્દુ યુવક દીપુચંદ્ર દાસ (27)ની મારપીટ કરીને હત્યાના મામલે સાત લોકોની સંદિગ્ધ તરીકે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં મોહમ્મદ લિમોન સરકાર (19), મોહમ્મદ તારેક હુસૈન (19), મોહમ્મદ માનિક મિયા (20), ઈરશાદ અલી (39), નિઝુમ ઉદ્દીન (20), અલોમગીર હુસૈન (38) અને મોહમ્મદ મિરાઝ હુસૈન એકોન (46) સામેલ છે.
યુવકનું લિંચિંગ
આ લિંચિંગ યુવા નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ ફેલાયેલી અશાંતિ વચ્ચે થયું જે ગત વર્ષે સ્ટુડન્ટ લીડ જુલાઈ વિદ્રોહના એક જાણીતા વ્યક્તિ અને ઈન્કલાબ મંચના પ્રવક્તા હતા. હાદીનું ગુરુવારે સિંગાપુરની એક હોસ્પિટલમાં મોત નિપજ્યું. તેમને 12 ડિસેમ્બરના રોજ ઢાકામાં નકાબપોશ બંદૂકધારીઓએ માથામાં ગોળી મારી હતી. ત્યારબાદ તેઓ સારવાર હેઠળ હતા. આ પહેલા બાંગ્લાદેશની વચગાળાની સરકારે મૈમનસિંહમાં એક હિન્દુ યુવકની કથિત લિંચિંગની આકરી ટીકા કરી હતી અને સંયમ વર્તવાની અપીલ કરી હતી.
કોઈને છોડવામાં નહીં આવે
યુનુસ એડમિનિસ્ટ્રેશન તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં સરકારે કહ્યું હતું કે અમે મૈમનસિંહમાં ઘટેલી ઘટનાની આકરી ટીકા કરીએ છીએ જેમાં એક હિન્દુ વ્યક્તિને મારી નાખવામાં આવ્યો, નવા બાંગ્લાદેશમાં આવી હિંસા માટે કોઈ જગ્યા નથી. આ ક્રૂર અપરાધમાં સામેલ કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.