Surat : SIRની કામગીરી શરૂ થતાં જ બંગાળી મહોલ્લામાં રહેતા 500થી વધુ લોકો રાતોરાત ગાયબ થઈ ગયાં

Spread the love

 

SIRની કામગીરી શરૂ થતાની સાથે જ સુરતના ઉન વિસ્તારને અડીને આવેલા ‘મિની બાંગ્લાદેશ’ તરીકે ઓળખાતા બંગાળી મહોલ્લાના સામે આવેલા દૃશ્યોએ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડાવી દીધી છે. અહીં રહેતાં 500થી વધુ લોકો રાતોરાત ગાયબ થઈ ગયાં છે અને તેમના મકાનો માં તાળા દેખાય રહ્યા છે સ્થાનિકો એ પણ કહ્યું હા આ બાંગ્લાદેશી હતા અને તેઓ હવે ગાયબ થઇ ગયા છે

માત્ર 400 મતદારોનું જ મેપિંગ

સુરતના ચૂંટણી પંચના આંકડા મુજબ, બૂથ નંબર 517 હેઠળ આવતા આ વિસ્તારમાં અગાઉ 950 જેટલા મતદારો નોંધાયેલા હતા.જોકે, જ્યારે BLO દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર SIRની કામગીરી હાથ ધરવામાં આવી, ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી કે, તેમાંથી માત્ર 400 મતદારોનું જ મેપિંગ થઈ શક્યું છે. બાકીના 550 મતદારો ક્યાં છે?

50 જેટલા મકાનોમાં મસમોટા તાળા લટકી રહ્યા છે

શું તેઓ રાતોરાત અદ્રશ્ય થયા કે પછી કોઈ મોટા ડરને કારણે ભાગી છૂટ્યા? આ સવાલો હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે.અંદાજે 100 મકાનમાંથી 50 જેટલા મકાનોમાં મસમોટા તાળા લટકી રહ્યા હતાં. આ મામલે જ્યારે અમે સ્થાનિકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, તેઓ બાંગ્લાદેશના રહેવાસી હતાં અને અહીં ભાડેથી રહેતાં હતાં.

મકાનોને તાળા મારી વતન ભાગી ગયા

આશ્ચર્યની વાત એ છે કે, SIRની કામગીરી શરૂ થતા જ આ મકાનોમાં રહેતા લોકો પોતાનો સામાન સંકેલીને ફરાર થઈ ગયા.સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠેએ જણાવ્યું કે, બૂથ નંબર 517માં આવતા બંગાળી મહોલ્લામાં 950 મતદારો હતા, જેમાંથી હવે માત્ર 400 જ મળી રહ્યા છે. તપાસ શરૂ થઈ ત્યારથી જ લોકો મકાનોને તાળા મારી વતન ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ અને તપાસ એજન્સીઓની તપાસ શરુ

એક જ વિસ્તારમાંથી એક સાથે 550 મતદારો ગૂમ થતા પોલીસ અને તપાસ એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે. આ સાથે જ 550 લોકોએ કયા આધારે ચૂંટણીકાર્ડ મેળવ્યા હતા? તેમને ડોક્યુમેન્ટ્સ બનાવી આપવામાં કોણે મદદ કરી? શું આ લોકો પાસે ભારતીય નાગરિકતાના અન્ય પુરાવા (આધાર કાર્ડ, પાન કાર્ડ) પણ હતા? વિદેશી ઘૂસણખોરો હતા કે નહીં? તે સવાલો પણ ઊભા થયા છે.

મકાનમાલિકો અને ભાડૂઆતોની કડક તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટા ખુલાસા થઈ શકે

સુરતનો આ કિસ્સો લાલબત્તી સમાન છે. એક તરફ તંત્ર SIRની કામગીરી દ્વારા ડમી મતદારોને દૂર કરી રહ્યું છે, તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં વિદેશી ઘૂસણખોરો હોય તો તેઓનું ભારતીય મતદાર યાદીમાં હોવું એ સુરક્ષા-વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભુ કરે છે. આગામી દિવસોમાં જો પોલીસ દ્વારા મકાનમાલિકો અને ભાડૂઆતોની કડક તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *