ઇન્કમ ટેક્સના અધિકારીઓ હવે લોકર-કબાટ જ નહીં, ઈનબોક્સ પણ ચેક કરશે! 2026થી લાગુ થશે નવો નિયમ

Spread the love

 

નવી દિલ્હી: ભારતમાં ટેક્સ તપાસની પદ્ધતિ ટૂંક સમયમાં સંપૂર્ણપણે બદલાવા જઈ રહી છે. 1 એપ્રિલ 2026થી લાગુ થનારા પ્રસ્તાવિત ઇન્કમ ટેક્સ બિલ 2025 હેઠળ આવકવેરા વિભાગ ડિજિટલ દુનિયામાં પણ તપાસ કરી શકશે. આનો અર્થ એ છે કે હવે માત્ર ઘર, ઓફિસ કે લોકર જ નહીં, પરંતુ બેંક એકાઉન્ટ, ઈમેઇલ, સોશિયલ મીડિયા અને ઓનલાઈન રોકાણ પ્લેટફોર્મ પણ તપાસના દાયરામાં આવી શકે છે, તેવું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે.

સરકાર આને ડિજિટલ યુગની જરૂરિયાત ગણાવી રહી છે, જ્યારે સામાન્ય કરદાતાઓના મનમાં આને લઈને અનેક સવાલો પણ છે.

હાલમાં આવકવેરા વિભાગને ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 132 હેઠળ કોઈ તપાસ કરવાનો અને વસ્તુઓ જપ્ત કરવાનો અધિકાર છે. આ હેઠળ રોકડ, ઘરેણાં, ડોક્યુમેન્ટ્સ કે અન્ય ભૌતિક સંપત્તિઓની તપાસ કરવામાં આવે છે. પરંતુ નવું ઇન્કમ ટેક્સ બિલ 2025 આ વ્યવસ્થાને ડિજિટલ રૂપ આપવા જઈ રહ્યું છે. આમાં ‘વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસ’ને પણ સર્ચના દાયરામાં સામેલ કરવામાં આવ્યું છે.

કબાટની સાથે ઈનબોક્સની પણ તપાસ કરાશે!

નવા કાયદા હેઠળ આવકવેરા અધિકારીઓ ઈમેઇલ એકાઉન્ટ, સોશિયલ મીડિયા પ્રોફાઈલ, ક્લાઉડ સ્ટોરેજ, ઓનલાઈન બેંકિંગ, ડિજિટલ વોલેટ, ક્રિપ્ટો અને શેર ટ્રેડિંગ પ્લેટફોર્મ જેવા ડિજિટલ માધ્યમોની તપાસ કરી શકશે. સરળ શબ્દોમાં કહીએ તો હવે કબાટ અને લોકરની સાથે ઈનબોક્સ અને ડિજિટલ ડેશબોર્ડની પણ તપાસ કરવામાં આવશે.

સરકારનું શું કહેવું છે?

સરકારનું કહેવું છે કે આજે મોટાભાગના ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થઈ રહ્યા છે. કાળું નાણું, વિદેશી રોકાણ, ક્રિપ્ટો એસેટ્સ અને ઓનલાઈન બિઝનેસ સાથે જોડાયેલી અનેક માહિતી માત્ર ડિજિટલ સ્વરૂપમાં જ હોય છે. આવી સ્થિતિમાં માત્ર ભૌતિક તપાસથી ટેક્સ ચોરી પકડવી મુશ્કેલ બની ગઈ છે. ડિજિટલ તપાસથી સરકાર ટેક્સ ચોરીની નવી રીત પર અંકુશ લગાવવા માંગે છે.

શું અધિકારી કારણ વગર એકાઉન્ટ જોઈ શકશે?

આ સવાલનો જવાબ છે- ના. નવો કાયદો અધિકારીઓને મનમાની કરવાની છૂટ આપતો નથી. કોઈપણ ડિજિટલ તપાસ માટે ‘વાજબી કારણ’ હોવું જરૂરી છે. જેમ ભૌતિક તપાસમાં શંકાનો આધાર નોંધવામાં આવે છે, તેમ ડિજિટલ સર્ચ માટે પણ કારણ લેખિત સ્વરૂપે નોંધાવવું પડશે. એટલે કે દરેકના એકાઉન્ટની એમ જ તપાસ કરવામાં આવશે નહીં.

પ્રાઈવસીને લઈને ઉઠ્યા સવાલ

જોકે, કાયદામાં શરતો રાખવામાં આવી છે, પરંતુ વિરોધીઓનું કહેવું છે કે ઈમેઇલ અને સોશિયલ મીડિયા સુધી પહોંચ વ્યક્તિની પ્રાઈવસી સાથે જોડાયેલો સંવેદનશીલ મુદ્દો છે. જો સ્પષ્ટ માર્ગદર્શિકા અને દેખરેખ વ્યવસ્થા નહીં બને, તો તેના દુરુપયોગની આશંકાને નકારી શકાય નહીં. ખાસ કરીને પ્રાઈવેટ ચેટ અને મેસેજને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સામાન્ય કરદાતાઓ પર શું અસર પડશે?

ઈમાનદારીથી ટેક્સ ભરનારાઓને ગભરાવાની જરૂર નથી. સાચી આવક જાહેર કરવી અને નિયમોનું પાલન કરવું જ સૌથી મોટો બચાવ છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પર ટેક્સ ચોરીની શંકા ગઈ, તો અધિકારીઓ તેની ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી, ઈમેઇલ અને ડિજિટલ એસેટ્સની તપાસ કરી શકે છે. તેથી ડિજિટલ રેકોર્ડને પણ હવે એટલો જ ગંભીરતાથી રાખવો જરૂરી બની ગયો છે, જેટલા ગંભીરતાથી કાગળના ડોક્યુમેન્ટ રાખીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *