બાંગ્લાદેશમાં ઇન્કલાબ મંચના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન બિન હાદીની હત્યાથી ભડકેલી હિંસા હજુ શાંત થઈ નથી, ત્યા તો વધુ એક નેતા પર ગોળિબાર કરવામાં આવ્યો છે. સોમવારે, નેશનલ સિટીઝન્સ પાર્ટી (NCP) ના ખુલના વિભાગીય વડા અને પાર્ટીના કેન્દ્રીય આયોજક મોતાલેબ સિકદરને પણ માથામાં ગોળી મારી દેવામાં આવી હતી.
તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેમની સારવાર ચાલી રહી છે.
હાલ આખો દેશ પહેલેથી જ રાજકીય તણાવ, શેરી હિંસા અને સંસ્થાકીય અસ્થિરતાનો અનુભવ કરી રહ્યો છે, ત્યારે આ ઘટના આગમાં ઘી હોમવાનું કામ કરી રહી છે. નેતાઓ પર હુમલાઓથી વચગાળાની સરકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
બાંગ્લાદેશમાં NCP કયો પક્ષ છે?
બાંગ્લાદેશમાં, NCP એટલે રાષ્ટ્રીય નાગરિક પાર્ટી (જાતીય નાગરિક પાર્ટી). તેની સ્થાપના 28 ફેબ્રુઆરી, 2025 ના રોજ કરવામાં આવી હતી. આ પાર્ટીની રચના જુલાઈ 2024 માં વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના આંદોલન પછી કરવામાં આવી હતી, જેણે શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધી હતી. પાર્ટીના મુખ્ય નેતા નાહિદ ઇસ્લામ છે. તે એક મધ્યવર્તી પક્ષ માનવામાં આવે છે અને શેખ હસીનાની અવામી લીગનો વિરોધ કરે છે.
ઇન્કલાબ મંચના પ્રવક્તા ઉસ્માન હાદીની હત્યાથી ઢાકા સહિત અનેક શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. મીડિયા ઓફિસો પર હુમલા, આગચંપી અને તોડફોડથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. ઇન્કલાબ મંચે વચગાળાની સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, જેને બાદમાં જમાત-એ-ઇસ્લામી જેવા કટ્ટરપંથી સંગઠનોએ સમર્થન આપ્યું હતું. જોકે, રવિવારે, બાંગ્લાદેશ પોલીસે સ્વીકાર્યું કે, હાદી હત્યા કેસમાં મુખ્ય શંકાસ્પદના સ્થાન અંગે તેની પાસે “નક્કર અને ચોક્કસ માહિતી” મળી શકી નથી. આનો અર્થ એ થયો કે, સરકાર અને સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ પાછળ હતી. આવી સ્થિતિમાં, મોતાલેબ સિકદર પરના હુમલાને આગમાં ઘી ઉમેરવા તરીકે જોવામાં આવી રહ્યું છે.
BNP નેતાએ હાદી હત્યામાં મોટો આરોપ લગાવ્યો
આ દરમિયાન, બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષના વરિષ્ઠ નેતા નિલોફર ચૌધરી મોનીએ હાદી હત્યા અંગે ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. એક ટીવી ચર્ચામાં, તેમણે દાવો કર્યો હતો કે, હાદી પર ગોળીબાર કરવાના આરોપીને હત્યા પહેલા બે વાર જામીન આપવામાં આવ્યા હતા, અને આ જામીન શિશિર મણીર, એક વરિષ્ઠ વકીલ અને જમાત-એ-ઇસ્લામી સાથે સંકળાયેલા નેતા દ્વારા મેળવવામાં આવ્યા હતા. મોનીએ કહ્યું કે, “હાદીની હત્યા કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિની પૃષ્ઠભૂમિ જુઓ, તેને બે વાર જામીન કોણે આપ્યા? શિશિર મણીરે. હું આ સંપૂર્ણ જવાબદારી સાથે કહું છું.’
તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિના બાંગ્લાદેશ છાત્ર લીગ અને ઇસ્લામી છાત્ર શિબિર સહિત વિવિધ રાજકીય સંગઠનો સાથે સંબંધો હતા. મોનીએ કહ્યું કે, “જો હું વધુ પડતું બોલીશ, તો હું કદાચ સુરક્ષિત રીતે ઘરે પણ નહીં પહોંચી શકું. અમે શેખ હસીનાને હટાવ્યા, પરંતુ આ અરાજકતા માટે નહીં.”