
અમદાવાદમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા આર્થિક ગુનાખોરી ડામવા માટે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે રૂ. 1500 કરોડની જંગી કરચોરી પકડાઈ છે. આ તપાસ દરમિયાન અમદાવાદ સ્થિત ‘ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ’ નામની કંપની શંકાના ઘેરામાં આવી હતી. DGGIની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કંપની દ્વારા મોટે પાયે ગેરરીતિ આચરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન મળી આવેલા દસ્તાવેજો અને પુરાવાઓના આધારે DGGIની ટીમે આર્થિક ગેરરીતિના પુરાવા એકત્ર કર્યા છે. આ કેસમાં કડક કાર્યવાહી કરતાં તપાસ એજન્સીએ કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરી છે. આરોપ છે કે પ્રભાત સોમાણીએ ડેટા સાયન્સ અને ટેકનોલોજીના ઓથા હેઠળ બોગસ બિલિંગ અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવીને આ કૌભાંડ આચર્યું હતું. હાલમાં કોર્ટે આરોપીને રિમાન્ડ પર સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી આ કૌભાંડમાં અન્ય કયાં મોટાં માથાં સામેલ છે અને આ રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી છે એની ઊંડી તપાસ થઈ શકે છે.