ગુજરાતના રાજકારણમાંથી આજે બપોરે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચમહાલના શહેરાના દિગ્ગજ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે (આહીર) પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈને તેમણે સત્તાવાર રીતે પોતાનું રાજીનામું સોંપ્યું હતું, જેનો અધ્યક્ષે તત્કાલ સ્વીકાર પણ કરી લીધો છે.
સીએમ અને પ્રદેશ નેતાગીરીની હાજરીમાં લેવાયો નિર્ણય જેઠા ભરવાડે જ્યારે રાજીનામું સોંપ્યું ત્યારે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હાઈપ્રોફાઈલ બેઠક બાદ જેઠા ભરવાડના રાજીનામાએ અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. જોકે, સત્તાવાર રીતે તેમણે અન્ય હોદ્દાઓની વ્યસ્તતા અને અન્યને તક આપવાના હેતુથી આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
કેમ આપ્યું રાજીનામું? શું છે અંદરની વાત? જેઠા ભરવાડ હાલ પંચમહાલની પ્રતિષ્ઠિત પંચામૃત ડેરીના ચેરમેન તરીકે પણ કાર્યરત છે. રાજીનામા અંગે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, “મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. અન્ય કાર્યકરો અને નેતાઓને તક મળે તે માટે આ પદ છોડ્યું છે.” જોકે, રાજકીય વિશ્લેષકો આ રાજીનામાને આગામી સમયમાં સંગઠન કે સરકારમાં થનારા સંભવિત ફેરફારો અથવા મોટા ફેરબદલના સંકેત તરીકે જોઈ રહ્યા છે.