એક ગામને બદલે છ ગામની જમીન કબજે લેવા સબબ કલેકટર પ્રભવ જોષીને હાઇકોર્ટનું તેડું

Spread the love

 

પુર્વ ગીરાસદાર સ્વ. હરિશ્ચંદ્રસિંહ ભરતસિંહ જાડેજાની રૈયાની જમીનના કેસમાં હાઈકોર્ટના હુકમ વિરૂધ્ધ છ ગામની જમીનો બાબતે કલેકટર પ્રભવ જોષીએ કરેલ હુકમ બાબતે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની હાઈકોર્ટમાં અરજી થતા હાઇકોર્ટે નોટિસ કાઢી જવાબદાર અધિકારીઓને તા. 26/ 01/ 2026ના રોજ હાજર થવા હુકમ કર્યો છે.

તેની ઉપરોક્ત ગામમાં આવેલી ખેતી જમીન બાબતે ગુજરાત હાઈકોર્ટમાં એગ્રિકલ્ચર લેન્ડ સીલિંગ એકટ બાબતેનો કેસ ચાલ્યા બાદ હાલમાં તે બાબતેની ઉતરોતર મેટર સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જે જમીનો પૈકી રૈયાના રે.સ.નં ૨૫૦ની જમીન બાબતે ગુજરાત હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ નં ૨૨૩૮/૧૨ તથા ૨૨૩૯/૧૨ પેન્ડિંગ હતી, ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિયુક્ત કરેલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટનાં રજિસ્ટ્રાર સહિતની કમિટી દ્વારા રૈયાના રે.સ.નં.૨૫૦ની જમીનનો કબજો રિસીવર તરીકે સોંપવા આદેશ કરેલ. પરંતુ તે હુકમમાં પાળ દરબારની અન્ય ગામોમાં આવેલી કોઈ જમીનોનો કબજો રિસીવર તરીકે લેવાનો આદેશ કરેલ ન હતો. તેમ છતાં તત્કાલીન કલેકટર પ્રભવ જોશીએ તા.૧/ ૪/ ૨૫ના રોજ હુકમ કરેલ કે, પાળ ગામના રે.સ. નં. ૮, ૧૩, ૧૦૦, ૪૫૭, ૪૯૨, ૯૨૪,૯૩૦, ૯૩૧, ૯૩૪, ૯૫૬, ૯૫૭, ૯૭૯ વિગેરે ગુજરાત હાઈકોર્ટના આદેશથી બનેલ કમિટિને સોંપી આપવી, તેવો ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલ છે. — હકીકતે આદેશ માત્ર રૈયા રેવન્યુ સર્વે નંબર 250ની જમીન સંદર્ભે જ થયો હતો.

આમ તત્કાલીન કલેકટર દ્વારા ઉપરોક્ત મનસ્વી, તઘલખી બીનતાર્કિક અને ન હાઈકોર્ટનાં હુકમ વિરૂધ્ધના અર્થઘટન સાથે રેવન્યુ રેકર્ડમાં તેવા હુકમની નોંધ દાખલ કરાવડાવેલ અને તેમાં લખાવડાવેલ કે, ઉપરોક્ત પાળની ખેતી જમીનો કમિટિને સોંપવા ગુજરાત હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે એસ.એલ.પી. માં તા.૨૭/૧/૨૫ના રોજ આદેશ કરેલ છે. આ પ્રકારનું કથન પણ સુપ્રીમ કોર્ટના આદેશ વિરૂધ્ધનું છે.

આમ, ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ઓર્ડરનું મનસ્વી, અબૌધ્ધિક અને વાસ્તવિકતાથી વિરૂધ્ધના અર્થઘટનને પગલે તલાટી રાઠોડભાઈ, સર્કલ ઓફીસર ગોહીલભાઈ તથા મામલતદાર કે.જી. ચુડાસમાએ સ્થળ ઉપર જઈ ઉપરોકત ખેતી જમીન ઉપર આ જગ્યા સરકારી છે અને હાઈકોર્ટનાં હુકમના આધારે કબજો લેવામાં આવેલ છે તેવા બોર્ડ મારી દઇ, તેવા બોર્ડ સાથેના ફોટા પડાવેલ છે. જે સામે કલેકટર તથા મામલતદારને પોતાની ભુલ સુધારવા અને શુધ્ધબુધ્ધિ બતાવવા માટે તા.૫/૪/૨૫ના રોજ એડવોકેટ વિકાસ, કે. શેઠ મારફત નોટીસ આપવામાં આવેલ અને જણાવવામાં આવેલ કે, તેઓ આઈ.એ.એસ. દરજજાના અધિકારી અને ઉચ્ચતમ દરજજાનું અક્ષરજ્ઞાન તથા અભ્યાસ ધરાવે છે અને કાયદાનાં પ્રબંધોથી માહીતગાર છે તેમ છતાં હાઈકોર્ટનાં હુકમનું વિકૃત અર્થઘટન કરેલ હોય તેમને ભુલ સુધારવા માટે તક આપવામાં આવી હતી. પરંતુ તેઓએ તે ભુલ સુધારવાનો કોઈ પ્રયાસ કરેલ નહીં, તત્કાલીન જિલ્લા કલેકટર પ્રભાવ જોષીની આ પ્રકારની વર્તણુકથી સ્પષ્ટ થયેલ કે, કલેકટર તંત્ર ગુજરાત હાઈકોર્ટના હુકમ વિરૂધ્ધ વર્તવા માટે દૃઢ નિશ્ચયી છે, હાઈકોર્ટના હુકમનો અનાદર, અવહેલના કરી રહ્યા છે જેથી હાલના પાળ દરબાર સ્વ. હરિશ્ચંદ્રસિંહ ભરતસિંહ જાડેજાના વારસ અમરસિંહજી હરિશ્ચંદ્રસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટમાં કલેકટર પ્રભવ જોશી અને કલેક્ટર ઓફીસના ઉતરોઉતર અધિકારી અને મામલતદાર કે.જી.ચુડાસમા તથા ઉતરોઉતર તેની ઓફિસ ધારણ કરનારને જોડી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એકટ-૧૯૭૧ હેઠળ કલેકટર તથા મામલતદાર સામે પગલા લેવા અરજી કરી હતી. તેમાં કેસની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે જવાબદાર અધિકારીઓ સામે તા.૨૨/ ૧/ ૨૬ના રોજ હાજર રહેવાની નોટિસ ઈસ્યુ કરવામાં આવતા કલેકટર તંત્રમાં સનસનાટી મચી જવા પામી છે. આ કામમાં રાજકોટના એડવોકેટ વિકાસ કે. શેઠ, હાઈકોર્ટમાં સિનિયર એડવોકેટ મનિષ ભટ્ટ, હર્ષ પંડયા અને મુંજાલ ભટ્ટ રોકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *