
સુરતમાં KTMની ઓવરસ્પીડે બે મિત્રોનો જીવ લીધો છે. આજે(26 ડિસેમ્બર) 4 રત્નકલાકાર નોકરી બાદ ચા પીવા ગયા હતા. ત્યાંથી બે મિત્રો અન્ય ફ્રેન્ડની સ્પોર્ટ્સ બાઇક(KTM) લઈ નીકળ્યા, જ્યારે અન્ય બે મિત્રો અન્ય બાઇક લઈ સાથે નીકળ્યા. થોડીવારમાં જ બે મિત્રોની સ્પોર્ટ્સ બાઇકે રફતાર પકડી અને પ્રતિબંધિત BRTS કોરિડોરમાં ઘૂસી. વગર હેલ્મેટે સ્પોર્ટ્સ બાઇક લઈ રફેરફ નીકળેલા મિત્રોનો BRTS ટ્રેકમાં અકસ્માત થયો ને બંને મિત્રોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થઈ ગયા. ઉલ્લેખનીય છે કે મૃતક દિવ્યેશ કોટડીયા અને રોનક સોલંકી બંને મૂળ ગીર સોમનાથ જિલ્લાના હતા. રોનક પોતાના પરિવારનો એકના એક દીકરા હતા. જ્યારે દિવ્યેશ પરિવારનો મોટો દીકરો હતો. વ્હાલસોયાના અચાનક નિધનથી પરિવાર આઘાતમાં છે.
પુણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૂળ ગીર સોમનાથ અને સુરતના પુણા વિસ્તારમાં આવેલી નેતલદે સોસાયટીમાં 18 વર્ષીય મૃતક દિવ્યેશ પ્રવીણભાઈ કોટડીયા પરિવાર સાથે રહેતો હતો. દિવ્યેશ પરિવારનો મોટો દીકરો હતો અને સુરતના મીની બજાર ખાતે આવેલા એક કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો. તો બીજો મિત્ર 23 વર્ષીય રોનક સોલંકી મૂળ ગીર સોમનાથ અને સુરતની વરાછા વિસ્તારમાં આવેલી લક્ષ્મીપાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. રોનક પરિવારનો એકનો એક દીકરો હતો. દિવ્યેશની સાથે રત્નકલાકાર તરીકે રોનક કામ કરતો હતો. હીરાના લેસર મશીન પર કામ કરી પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો.
મૃતક બંને યુવકો રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. મૃતક દિવ્યેશ, રોનક અને અમિત ગામીત સહિત ચાર જેટલા મિત્રો નોકરી પૂર્ણ કર્યા બાદ પુણાગામ વિસ્તારમાં આવેલી વછરાજ ચાની દુકાન પર ચા પીવા ગયા હતા. ચારેય મિત્રો આઠ વાગ્યા સુધી ચા પીને બેઠા હતા. ત્યારબાદ દિવ્યેશે મિત્ર અમિત ગામીતનું KTM બાઈક ચલાવવા માટે લીધું હતું અને તેની પાછળ રોનક બેઠો હતો. દિવ્યેશ અને રોનક બાઈક પર આગળ જતા હતા અને પાછળ બાઈક પર અમિત અને અન્ય એક મિત્ર આવતા હતા. દરમિયાન પુણાગામ ખાતે અકસ્માત નડ્યો હતો.
PI વી.એમ.દેસાઈએ જણાવ્યું હતું કે, પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કેનાલ રોડ ઉપર રંગ અવધૂત ચાર રસ્તાથી રેશ્મા ચાર રસ્તાની વચ્ચે જે BRTSનો ડેડિકેટેડ રોડ છે, ત્યાં અકસ્માત થયો છે. સવારે 8થી 8:30ની વચ્ચે KTM બાઈક પર બે યુવકો પસાર થતા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ અથડાવાના કારણે અકસ્માત થયાનું જણાય છે. ટીમ CCTV ચેક કરી રહી છે. જેથી મારી તમામ ટુ-વ્હીલર ચાલકોને ખાસ વિનંતી છે કે તમે રોડ ઉપર ચાલો તો જે રોડની જે સ્પીડની મર્યાદા છે તે મર્યાદામાં રહો અને હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ.જો KTM સ્પોર્ટ્સ બાઈક સ્પીડ લિમિટમાં હોત અને જો હેલ્મેટ પહેર્યું હોત તો આ બનાવ બનતા અટકી શક્યો હોત.
ASI કિંજલ કટારાએ જણાવ્યું હતું કે, આજ રોજ અમને પીએસઓ દ્વારા વર્દી મળી હતી કે અહીં એક એક્સિડન્ટ થયો છે. જેમાં ઘટનાસ્થળે બેનું મોત થયું છે. KTM બાઇક ચાલક અને તેના મિત્રનું જગ્યા પર જ મૃત્યુ થયું હતું. બંને મૃતક વરાછા સાઈડ હીરામાં નોકરી કરે છે, ત્યાંથી નોકરીથી પૂર્ણ કરી વછરાજ ચા છે ને ત્યાં ચા પીવા ગયા હતા અને પછી ત્યાંથી ચા પીને KTM લઈને આવતા હતા અને રંગ અવધૂત ચાર રસ્તાથી રેશ્મા સર્કલના બીઆરટીએસ રૂટ પર એક્સિડન્ટ થયો હતો. ઝાડ સાથે અથડાઈને કદાચ પડ્યા હોય એવું અમને લાગે છે. મૃતક રોનક અશોકભાઈ સોલંકી અને દિવ્યેશ પ્રવીણભાઈ કોટડિયા છે અને બંને હીરામાં નોકરી કરે છે.