
ગત નવેમ્બર 2025માં પોન્ડીચેરી ખાતે બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને એલર્જીની ડુપ્લીકેટ દવા ઝડપાતા સમગ્ર દેશનું કેમિસ્ટ એસોસિએશન હરકતમાં આવ્યું છે. ગુજરાત કેમિસ્ટ બાદ રાજકોટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા મિટિંગ યોજી મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા જનજાગૃતિ કમિટીની રચના કરી ખાસ મેડિકલ સ્ટોરના ધારકો રાજકોટ ભારથી દવા ન ખરીદવા અને રાજકોટના ઓથોરાઈઝડ સ્ટોકિસ્ટ પાસેથી જ દવા ખરીદવા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બજારમાં સૌથી વધુ વેચાતી દવાનું લેભાગુ તત્વો દ્વારા ડુપ્લિકેશન કરવામાં આવ્યું છે અને તેની આડ અસરથી દર્દીને એકના બદલે બીજી તકલીફ પણ શરીરમાં ઉભી થઇ શકે છે ત્યારે કેમિસ્ટ એસોસિએશન દ્વારા લોકોને પણ ખાસ તેમના જાણીતા મેડિકલ સ્ટોર્સ પરથી જ દવા ખરીદ કરવા અને ડિસ્કાઉન્ટની લાલચમાં ન પડવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ સત્યન પટેલએ જણાવ્યું હતું કે, કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજાની આગેવાનીમાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા બાદ ગુજરાત કેમિસ્ટ એસોસિએશનની સૂચના પછી રાજકોટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા જનજાગૃત કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકોને જાગૃત કરવા અને ડુપ્લીકેટ દવાનું સેવન કરતા અટકાવવા માટે મુખ્ય આ કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં એક મહિના પહેલા જે પોન્ડીચેરી ખાતે ડુપ્લીકેટ દવાઓ ઝડપાઇ તે કદાચ આખા દેશમાં અલગ અલગ જગ્યાએ પહોંચી હોવાની આશંકા છે ત્યારે હજુ સુધી રાજકોટ કે ગુજરાતમાં આ દવા પહોંચી નથી પરંતુ સસ્તા અને વધુ ડિસ્કાઉન્ટની લાલચમાં લોકો ન આવી ઓથોરાઈઝડ જગ્યાએથી દવા ખરીદવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ કેમિસ્ટ એસોસિએશનની મિટિંગમાં નક્કી થયા મુજબ રાજકોટના અંદાજે 1200 જેટલા રિટેલર્સ દવાના વેપારીઓ રાજકોટ ખાતે કંપની દ્વારા નિમવામાં આવેલ ઓથોરાઇઝડ સ્ટોકીસ્ટસ પાસેથી જ દવાની ખરીદી કરી શકશે. સાથે સાથે સેમી હોલસેલર્સ પણ ઓથોરાઇઝડ સ્ટોકીસ્ટર્સ પાસેથી જ દવા ખરીદી કરી શકશે. સસ્તા કે વધુ ડિસ્કાઉન્ટની લાલચમાં રાજકોટ બહાર અન્ય કોઈ જગ્યાએથી દવા ખરીદ કરવી નહિ. આ ઉપરાંત ડુપ્લીકેટ દવા બાબતે જનજાગૃતિ કેળવવા તથા એસો.ના કોઇ સભ્ય દ્વારા ડુપ્લીકેટ દવા વેચાતી હોવા સહિતની કોઇ ગેરરીતિ ધ્યાનમાં આવશે તો તેઓ ઉપર સંસ્થાકીય પગલા લેવાનો નિર્ણય પણ રાજકોટ કેમીસ્ટ એસોસીએશન દ્વારા બોલાવવામાં આવેલ મિટીંગમાં કરવામાં આવ્યો છે.
ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ સત્યન પટેલએ વધુમાં જણાવ્યું હતું કે, ડુપ્લિકેશન એ જ વસ્તુનું થાય જેની ડિમાન્ડ વધુ હોય. આખા દેશમાં બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, એલર્જી અને શરદી ઉધરસ તેમજ અસ્થમાની દવાનું વેચાણ વધુ થતું હોવાથી મોટાભાગ આ બીમારીઓની દવાનું ડુપ્લિકેશન કરી કરોડો કિંમતની ડુપ્લીકેટ દવાઓ બજારમાં ઉપલબ્ધ થઇ છે રાજકોટમાં હજુ આવી નથી પરંતુ કાળજી રાખવી જરૂરી છે કારણ કે અસલી દવા છે કે નકલી એ કોઈ સામાન્ય માણસ જોઈને ઓળખી શકશે નાહ લેબોરેટરીમાં ટેસ્ટ થયા પછી જ અસલી નકલીનો ભેદ પારખી શકાય માટે લોકોને ખાસ અપીલ છે કે સસ્તી અને વધુ ડિસ્કાઉન્ટની લાલચમાં આવી દવા ખરીદ કરવાનું ટાળી આપણા ફેમિલી એટલે કે જાણીતા મેડિકલ સ્ટોર્સ પરથી જ દવા ખરીદ કરવી. કારણ કે સરકાર દ્વારા આ બધી દવા ઉપર માર્જિન ફિક્સ 16% નક્કી કરવામાં આવ્યું છે તો આનાથી વધુ ડિસ્કાઉન્ટ કોઈ આપે તો તેની લાલચમાં ન જવું જોઈએ કારણ કે એનાથી વધુ નફામાં કોઈને પણ પોસાઈ શકે નહીં.