સતલાસણાની મોડલ સ્કૂલમાં ફૂડ-પોઇઝનિંગથી 22 બાળકોની તબિયત લથડી

Spread the love

 

મહેસાણાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ગામમાં આવેલી આદર્શ નિવાસી મોડલ સ્કૂલની હોસ્ટેલમાં ક્રિસમસની ઉજવણી બાદ ભોજન લેવાથી 20થી 22 જેટલી વિદ્યાર્થિનીઓને અચાનક ફૂડ-પોઈઝનિંગની અસર થતાં સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. રાત્રિનું ભોજન અને ચોકલેટ લીધા બાદ વિદ્યાર્થિનીઓને સતત ઉધરસ, ઊલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ ઊઠતાં પાંચ એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર, શ્વાસની તકલીફના કારણે 5 બાળકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 બાળકોમાં સુધારો આવતા તેમને નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. જ્યારે એક બાળકને હજી પણ શ્વાસની તકલીફના કારણે ICUમાં રાખવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના સદસ્ય કુલદીપ સિંહ ચૌહાણના જણાવ્યા મુજબ, કેટલીક બાળકીઓને અસહ્ય ખાંસીને કારણે ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું, જોકે હાલ તમામ વિદ્યાર્થિનીઓની હાલત સુધારા પર છે અને આરોગ્ય વિભાગ દ્વારા હોસ્ટેલના ભોજનનાં સેમ્પલ લઈને આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. હાલમાં 20થી 22 વિદ્યાર્થિનીને અસર થઈ છે અને તબિયત સુધારા પર છે.
ડામોર પ્રિંકલબેન લક્ષ્મણભાઈએ જણાવ્યું હતં કે સ્કૂલમાં ક્રિસમસની રજા હતી અમે એની ઉજવણી કરી હતી. સાંજના પાંચ વાગ્યે બધું ડેકોરેશન કરીને અમે હાજરી પૂરી અને પછી જમવા બેઠા. જમીને થોડીવાર આંટા માર્યા બાદ સ્પીકર કાઢીને નાચ્યા હતા. ક્રિસમસને કારણે બધાને નાચવાનું મન હતું, પરંતુ મેડમ ના પાડતાં હતાં એમ છતાં બધાં નાચ્યાં. થોડીકવાર થઈને મેડમે ચોકલેટો આપી અને એ ખાધી ને પછી વાંચવાનું હોવાથી અમે સંખ્યા ગણી રહ્યા હતા, એ દરમિયાન છોકરીઓને ઉધરસ અને ઊલટી થવા લાગી. શિક્ષકોએ તરત રિક્ષા મગાવી અમને દવાખાને લઈ ગયાં. અહીં અમને લગભગ દસ વાગ્યે એમ્બ્યુલન્સમાં લાવ્યા હતા. ડો. એસ. પટેલ જણાવ્યું વધુમાં જણાવ્યું હતું કે, 5 જે ICUમાં દાખલ છે, એમાંથી 4 વિદ્યાર્થિનીની તબિયત એકદમ સ્ટેબલ છે. જેને અમે થોડા સમયમાં પાછા વોર્ડમાં શિફ્ટ કરી દઈશું. 1 બાળકને થોડી શ્વાસની તકલીફ છે એની સારવાર ચાલુ છે. બાકીના જે 12 બાળકો ફીમેલ વોર્ડમાં છે એ એકદમ સ્ટેબલ છે. એમને અત્યારે કોઈ તકલીફ નથી અને એમનું ખાવા-પીવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે.
પ્રાથમિક અમને એવું લાગે છે કે, કદાચ આનું કારણ એલર્જી વાળી વસ્તુ આરોગી હોવાથી ફૂડ પોઇઝનિંગ થયું હોય અથવા તો બે-ત્રણ વિદ્યાર્થીને જે તકલીફ થઈ એના કારણે બાકી વિદ્યાર્થિની ડરી ગઈ હોય એવું પણ પ્રાઈમરી અમને જાણવા મળ્યું છે. રામપુરાથી આવેલા એક બાળકીના પિતા ડાભી શંભુજીએ જણાવ્યું કે, અમને મોડલ સ્કૂલમાંથી ફોન આવ્યો હતો કે, આ બાળકો બીમાર પડ્યા છે એટલે અમે વડનગર સિવિલમાં આવ્યા. અમે આવ્યા એ પહેલા એમની સારવાર મેડમે ચાલુ કરાવી દીધી હતી. બાળકોને કઈક ખાવાની તકલીફ કારણે આવું થયું હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સ્કૂલમાં અભ્યાસ કરતી 165 વિદ્યાર્થિનીમાંથી 20થી 22ને રાત્રે આ અસર થઈ હતી, જોકે હાલમાં હોસ્ટેલમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામનું ચેકઅપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થિનીઓએ એ રાત્રે શું ભોજન લીધું હતું એની વિગતો જાણી શકાઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *