
મહેસાણાના રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાછળ આવેલ સી લિંક રોડ પરની છેવાડાની પ્રાર્થના પરિસર સહિતની સોસાયટીઓ રહીશો પીવાના પાણી માટે વલખા મારી રહ્યાં છે. આ વિસ્તારમાં નર્મદાની પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં છેલ્લા બે-અઢી વર્ષથી લોકોને પીવાનું મીઠું પાણી નસીબ થયું નથી. આ પરિણામે 1 કરોડથી 1.50 કરોડ જેવા મોંઘા મકાનોમાં રહેતા અને તંત્રને ટેક્સ ચૂકવતા પરિવારો આજે ઊંચા TDS વાળું અને ક્ષારયુક્ત બોરનું પાણી પીવા મજબૂર બન્યા છે. પ્રાર્થના પરિસરમાં 214 મકાન પૈકી હાલ 100થી વધુ પરિવારોનો વસવાટ છે. પ્રાર્થના સહિત કેટલીક સોસાયટીઓમાં છેક તિરૂપતિ શાહીબાગ તરફના સમ્પથી અક્ષત ચોક થઇ નર્મદાનું પાણી અપાય છે, જેથી છેવાડાની સોસાયટીઓના સમ્ય સુધી પાણી પહોંચતું જ નથી. અહીંયા વસવાટ કરતા લોકો હાલમાં નર્મદાનું પાણી ન મળતું હોવાથી દોઢ કિલોમીટર દૂર સુધી કેરબા લઈ પાણી લેવા જવા મજબૂર બન્યા છે. લોકોની એકજ માગ છે કે, જેમ બને એમ નર્મદાનું મીઠું પાણી અમને આપવામાં આવે. વધુમાં ઉમેર્યું કે, જો નવી પાઇપલાઇન નાખે અને આ સોસાયટીને પાણી મળે તેવી તંત્ર સગવડ કરી આપે. સત્તાધીશો પાસે નાણાંની પૂરતી સગવડ છે. મહાનગરપાલિકા બની છે, સરકારે પુરી ગ્રાન્ટ પણ આપી છે તો નવી પાઇપલાઇન નાખવામાં આવે. અમારી સોસાયટી છેલ્લા વિભાગમાં આવેલી છે. અહીંયા કરોડથી દોઢ કરોડ રૂપિયાના મકાનો લોકોએ લીધા છે, એમ છતાં પાણી જેવી સગવડ મળતી નથી.
અન્ય રહીશ ભગવાન પટેલે જણાવ્યું કે, અમારી સોસાયટીમાં માગણી કરવા છતાં હજુ સુધી પીવાનું પાણી આવ્યું નથી. છેલ્લા બે-અઢી વર્ષથી અમે લોકો અહીં વસવાટ કરીયે છીએ, પણ સારું પીવાનું પાણી અમને મળતું નથી. બોરનું પાણી આવે છે, પણ બહુ ખારું પાણી આવે છે. અહીંયા બે વર્ષ પહેલા પાણીની લાઇન નાખી છે, પણ પાણી આવતું જ નથી. આજુબાજુ ક્યાંક નીચું હોઈ ત્યાં પાણી જતું રે છે. સોસાયટીમાં દરેકને સારું પીવાનું પાણી મળે એવી માગ છે. આ વિસ્તારમાં 50 લાખ લિટરનો સમ્પ બન્યો ત્યારે 75 સોસાયટી હતી, હાલ 138 થઈ ગઈ છે. પાંચોટ હદમાં આવતા સી લિંક વિસ્તારમાં 2014-15માં રાજધાની નજીક 50 લાખ લિટર પાણીની ક્ષમતાનો સમ્ય બનાવાયો હતો અને તેમાંથી નર્મદાનું પાણી તે વખતે વિસ્તારની 75 સોસાયટીઓમાં અપાતું હતું. પાછલા 10 વર્ષમાં સોસાયટીઓ વધીને 138 થઈ છે, એટલે છેવાડા સુધી નર્મદાનું પાણી પૂરતું પહોંચતું નથી. નર્મદાનું વધુ પાણીની ડિમાન્ડ મંજૂર થાય ત્યારે સી લિંક વિસ્તારમાં નવો સમ્ય બનાવવાનું આયોજન થશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.