
રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે ઉચાપતની ઘટના સામે આવી છે. આ વખતે ઉચાપતની ઘટનામાં અન્ય કોઈ નહિ પરંતુ જવેલર્સ શોરૂમમાં કેશિયર તરીકે ફરજ બજાવતા શખ્સે જ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. કેશિયર દ્વારા ગ્રાહકને ખોટી અલગ અલગ સ્કીમ બતાવી રૂપિયા પડાવ્યા હોવાનું અને જવેલર્સના નામના ખોટા વાઉચર બનાવ્યા હતા જે મળી કુલ 1.99 કરોડની છેતરપિંડી આચરી હોવાની જાણ થતા શોરૂમના માલિકે કેશિયર સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કેશિયર હિતેશ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના નાના મવા મેઈન રોડ પર સાકેત પાર્કમાં રહેતાં અને મવડી રોડ ઉપર, નાના મૌવા રોડ ઉપર તથા જામનગરમાં અર્જુન જવેલર્સ નામે સોના ચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવતા મનીષભાઇ નથુભાઇ ઘાડીયા (ઉ.વ.40)એ મૂળ આણંદ જિલ્લાના બોરસદના વતની અને હાલ બાલાજી હોલ, 150 ફૂટ રિંગરોડ, વલ્લભ વિદ્યાનગર સોસાયટી શેરી નં.3માં રહેતા અને નાનામવા રોડ ઉપર આવેલી તેમની બ્રાન્ચમાં કેશિયર તરીકે નોકરી કરતા હિતેષ શૈલેષ પરમાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નાના મૌવા રોડ ઉપર આવેલા તેઓના અર્જુન જવેલર્સ શો રૂમમાં હિતેષ પરમારને ગઈ તા.12.08.2022થી કેશીયર તરીકે નોકરી ઉપર રાખ્યો હતો. તે શો રૂમમાં ત્રણ વર્ષથી વધારે સમય સુધી નોકરી પર ચાલુ રહેતા શો રૂમના નિયમ મુજબ અનુભવના આધારે કેશીયરના હેડ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ગઈ તા.26.12.2024થી હિતેષ પરમારને મવડી રોડ ઉપર આવેલ અર્જુન જવેલર્સમાં કેશીયર હેડ તરીકે બદલી કરી હતી. કંપનીના મોબાઇલમાંથી ડાયરેક્ટ કસ્ટમરોનો સંપર્ક કરી તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. તા.17.07.2025ના રોજ જામનગરમાં આવેલ અર્જુન જવેલર્સમાં હિતેષ પરમારને ડેપ્યુટેશન પર ત્યાં કેશીયર તરીકે રાખી સંપુર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી અને રાજકોટથી તા.05.08.2025થી નોકરીમાંથી છુટા કર્યા હતા.
છુટો કર્યાના અઠવાડીયા બાદ તા.12.08.2025ના એક ગ્રાહક ઇશાબેન સોરઠીયા મવડી ખાતે આવેલ અર્જુન જવેલર્સના શો રૂમ ખાતે આવી જણાવ્યું કે, મે હિતેષ પરમારને ડિસેમ્બર 2024થી તા.20.05.2025 સુધીમાં કટકે કટકે રૂ.45.40 લાખ સોનાના બિસ્કીટ લેવા પેટે ડીપોઝીટ તરીકે જમા કરાવ્યા છે. હિતેષે મને કહ્યું કે, છ માસની સ્કીમ મુજબ તમને 6 સોનાના બિસ્કીટ 400 તથા 200 મળી કુલ 600 ગ્રામ 6 મહિના બાદ મળશે અને આ માટે મને એક ઓર્ડર વાઉચર ફોર્મ આપ્યું છે જેમાં રિમાર્કસમાં 600 ગ્રામ સોનુ જમા છે તેવો ઉલ્લેખ વાળું ઓર્ડર વાઉચર આપ્યું છે.
ફરીયાદીએ તે વાઉચર લઇ સિસ્ટમમાં ચેક કરતા ઇશાબેન સોરઠીયાના રૂ.45.60 લાખ જમા થયા ન હતા, જેથી ઇશાબેન સોરઠીયાએ જે સોનાનો ઓર્ડર આપ્યો અને તેના બદલામાં શો-રૂમનુ વાઉચર હિતેષ પરમારે આપેલ તે ખોટુ ઉભુ કરવામાં આવ્યું હોવાનુ જાણવા મળ્યું હતુ. આ પછી તે જ દિવસે બીજા એક ગ્રાહક અંકીતાબેન રૈયાણી શો-રૂમ ખાતે આવી હિતેષ પરમારને તા.23.10.2024ના સોનાના દાગીના ખરીદવા પેટે રૂ.20 લાખ રોકડા તથા તા.07.05.2025થી તા.28.05.2025 સુધીમાં અલગ અલગ તારીખે રોકડા રૂપિયા એક કરોડ જમા કરાવ્યા છે અને આ હિતેષભાઈએ 500 ગ્રામ સોનુ આપ્યું છે અને તેની પાસેથી 450 ગ્રામ સોનુ લેવાનુ બાકી છે જે બાબતનુ અર્જુન જ્વેલર્સ નામનુ વાઉચર બનાવી આપ્યું છે, જે અસલ વાઉચર બતાવતા તેમાં હિતેષ પરમારની તારીખ સાથેની સહી હતી. જેથી તે બાબતે જવેલર્સના સિસ્ટમમાં ચેક કરતા તે પણ હિતેષ પરમાર દ્વારા ખોટુ વાઉચર ઉભુ કરેલ હોવાનુ જાણવા મળ્યું હતુ. શો-રૂમના સીસીટીવી કેમેરા ચેક કરતા તા.21.05.2025ના સાંજના 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન હિતેષ પરમાર શો રૂમમાંથી 450 ગ્રામના સોનાના બિસ્કીટનું પાઉચ જેમાં 100 ગ્રામના 4 તથા 50 ગ્રામનુ 1 તેના પેન્ટના ખિસ્સામાં મુકીને લઈ જતો જોવા મળ્યો હતો. તે શો-રૂમમાંથી સોનુ લઇ ગયો છે પરંતુ અંકીતાબેનને આપ્યું નથી.
ઓગષ્ટ 2025માં ગ્રાહક ચીરાગભાઈ વલ્લભભાઈ ખુંટ શો રૂમ ખાતે આવી અને વાત કરી કે, હુ તથા મારા બહેન જીગ્નાબેન ગઇ તા. 29.01.2025ના શો રૂમ ખાતે આવી અને સોનાનુ બિસ્કીટ ખરીદવુ હોય હું અને મારા બહેન જીગ્નાબેન હિતેષભાઇને મળી વાતચીત કરી રોકડા રૂ.1 લાખ સોનાના બિસ્કીટ પેટે જમા કરાવ્યા તે બાબતે મારા બહેન જીગ્નાબેનના નામે રૂ.1 લાખનું એક વાઉચર બનાવી આપેલ તેમજ તા.31.03.2025ના શોરૂમ પર મારા બહેન જીગ્નાબેન એકલા ગયા હતા હિતેષભાઈ પાસે રૂ.60 હજાર જમા કરાવતા રિસીપટ બનાવી બહેનને બીજી એક રિસીપટ આપી જેમાં રૂ.1.60 લાખ જમા લીધેલનું લખી આપ્યું હતું. અસલ પેમેન્ટ રિસીપ્ટ બતાવતા હિતેષ પરમારની સહી હતી જેથી સિસ્ટમમાં ચેક કરતા ચીરાગભાઈના રૂ.60 હજાર જ જમા થયાનું જાણવા મળ્યું હતું. અમુક દિવસો બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે હિતેષ પરમારે તા.21.04.2025ના મવડીના શો રૂમ ખાતે પોતાના આઇડીમાંથી કસ્ટમર ચીરાગભાઈ ખુંટના નામે રૂ.1,99,800નુ સોનાની ગીની વજન 20 ગ્રામનુ બીલ બનાવી દીધું છે. ત્યારે કસ્ટમર ચીરાગભાઇ શો રૂમની અંદર હાજર નથી અને હિતેષ આ 20 ગ્રામ સોનાની ગીની ખિસ્સામાં નાખી લઇ જતા જોવા મળે છે અને ખોટુ વાઉચર બનાવી રૂ.1,99,800નુ સિસ્ટમમાં ચીરાગભાઇને 20 ગ્રામ સોનાની ગીની આપેલ ન હોવા છતા ખોટુ બીલ બનાવ્યું છે.
10 દિવસ પહેલા શો રૂમ પર કસ્ટમર વિમલભાઈ ધીરૂભાઈ ખુંટ આવ્યા અને કહ્યું કે, ગઈ તા.04.12.2024ના હું તમારા નાના મૌવાના શો રૂમ ખાતે ગયો અને હિતેષ પરમારને મળી 100 ગ્રામનુ સોનાનુ બિસ્કીટ લેવાનુ હોય જેથી હિતેષ પરમારે મને એક સ્કીમ કહી કે, તમે અત્યારે રૂ.7.50 લાખ જમા કરાવો સોનાનો ભાવ ડાઉન થાય એટલે તમારૂ 100 ગ્રામ સોનાનુ બિસ્કીટ બુક કરી દઇશ, તેમ વાત કરતા તેને રૂ.7.50 લાખ જમા કરાવેલ હતા. ત્યારબાદ હિતેષ પરમારના કહેવાથી રૂ.20 હજાર જમા કરાવ્યા હતા તે દિવસે શો રૂમમાં ચાલતી સ્કીમ સમજાવી જણાવ્યું કે, આજે 100 ગ્રામ સોનુ જમા રાખો તો તમને છ મહિના પછી 104 પોઇન્ટ 8 ગ્રામ સોનુ મળશે, જેથી તે સ્કીમ સારી લાગતા હિતેષ પરમાર પાસે મારૂ 100 ગ્રામ સોનાનુ બિસ્કીટ જમા રાખી અને તા.14.05.2025ના આ પેટે તેમણે અર્જુન જ્વેલર્સનું વાઉચર બનાવી આપ્યું હતું. જેમાં બંનેએ સહી કરી હતી. જે વાઉચર બતાવતા તેમાં હિતેષ પરમારની સહી હોય સિસ્ટમમાં તે વાઉચરની ખરાઈ કરતા આ વાઉચરમાં જણાવેલ રૂ.7.70 લાખ શો રૂમના એકાઉન્ટમાં જમા થયેલ ન હોવા છતા હિતેષ પરમારે ખોટુ વાઉચર બનાવી વિમલભાઈ ખુંટને સાચા તરીકે આપેલ હોવાનુ જાણવા મળ્યું હતું.
આ હિતેષ પરમારે શો રૂમના નામે ઘણા કસ્ટમરોને બનાવટી વાઉચરો બનાવી આપ્યા હોવાનું જાણવા મળતા મવડી શો રૂમના ઉપલબ્ધ સીસીટીવી કેમેરા ચેક કરતા જાણવા મળ્યું કે, હિતેષ પરમારે અર્જુન જવેલર્સમાં કસ્ટમરોના જમા રૂપિયાના ખોટા વાઉચર બનાવી કસ્ટમરોની તથા જ્વેલર્સની જાણ બહાર સોનાની ઉચાપત કરી પોતાના ખિસ્સામાં નાખી શો રૂમની બહાર લઈ જતા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા છે. ગ્રાહકોને અલગ અલગ સ્કીમની લાલચ આપી તેઓની પાસેથી રોકડા રૂ.1,74,10,000 મેળવી જવેલર્સના નામે ખોટા અને બનાવટી વાઉચરો તથા બીલો બનાવી સાચા તરીકે આપી તેમજ શો રૂમમાંથી અલગ અલગ સમયે સોનાની ગીની, દાગીના મળી કુલ 265 ગ્રામ સોનુ રૂ.25,57,800ના ખોટા વાઉચર, બીલો બનાવી દાગીના લઇ જઇ કુલ રૂ.1,99,67,800ની ઉચાપત કરી વિશ્વાસઘાત કરતા ફરીયાદ નોંધાવી હતી જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.