
અમદાવાદની જુદી જુદી બેન્કોમાં છેલ્લા 3 મહિનામાં લોકોએ જમા કરાવેલા પૈસામાંથી જુદા જુદા દરની 1627 બનાવટી ચલણી નોટો પકડાઈ છે. 5.33 લાખની નકલી નોટો અંગે એસઓજીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ નોટોમાં કેટલીક નકલી હતી, કેટલીક કલર ફોટોકોપી કરેલી, કેટલીક તદ્દન ગળી ગયેલી તો કેટલીક ચિલ્ડ્રન બેન્કની નોટો હતી.
દર 3 મહિને તમામ બ્રાંચમાંથી નોટો હેડ ઓફિસમાં મોકલે છે. જ્યારે હેડ ઓફિસમાંથી તે નોટોની યાદી તૈયાર કરીને તે એસઓજીને આપી દેવાય છે. 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધીના ગાળામાં જુદી જુદી બેંકોમાં 1627 નકલી નોટ આવી હતી. જેમાં રૂ. 2 હજારના દરની 13 નોટ, રૂ.500 ના દરની 794 નોટ, 200 ના દરની 377 નોટ, 100 ના દરની 268 નોટ, રૂ.50 ના દરની 172 નોટ, રૂ.20 ના દરની 2 નોટ, રૂ.10 ના દરની 1 નોટ મળીને કુલ રૂ.5.33 લાખની થાય છે.
ઇ-સાક્ષ્ય એપ્લિકેશનમાં પુરાવા સૌથી સુરક્ષિતઃ
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા પોલીસ માટે ઇ-સાક્ષ્ય એપ બનાવાઇ છે. આ એપથી પોલીસ મોબાઇલથી નકલી નોટ અંગેના પુરાવા સહિત ગુનાના સ્થળના ફોટોગ્રાફ્સ, વીડિયો, સાક્ષીના નિવેદન, જપ્ત સામાન વગેરે પુરાવા અપલોડ કરી શકે છે. તે લોકેશન, સમય સાથે ક્લાઉડ સ્ટોરેજમાં યુનિક વેલ્યૂ સાથે સેવ થાય છે. ત્યારબાદ તેમાં કોઇ બદલાવ થતો નથી, કોઇ છેડછાડ કે તેને ડિલીટ પણ કરી શકાતા નથી.
બેન્કો મશીનમાં ચેક કરી નોટો લે છે છતાં નકલી આવે છેઃ
એસઓજીના અધિકારીઓનું કહેવું છે કે તમામ બેન્કોમાં પૈસા ગણવા માટેના તેમજ નોટ સાચી છે કે ખોટી તેની ખરાઈ કરવાના મશીન છે. આ મશીનમાં નકલી નોટ તરત પકડાઈ જાય છે. છતાં બેન્કો એસઓજીમાં નકલી નોટો જમા કરાવે છે.