
રાજકીય પક્ષો અને ટ્રસ્ટોના નામે બોગસ ડોનેશન મેળવી ઇન્કમટેક્સ અને GSTમાં કરોડો રૂપિયાની કરચોરી કરવાના મસમોટા 1000 કૌભાંડમાં સંડોવાયેલા આરોપી રેનિલ પાટડિયાને કોર્ટે કોઈ પણ રાહત આપવાનો કોર્ટે ઇનકાર કર્યો છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીની નિયમિત જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે, આ એક ગંભીર આર્થિક ગુનો છે. જે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. અત્યારે તપાસ નાજુક તબક્કે છે અને જો આરોપીને છોડવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે છે અથવા સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.
રાજકીય પક્ષોના નામે એકાઉન્ટ ખોલીને ઇન્કમટેક્સની ચોરી કરતાઃ
CID ક્રાઈમ અમદાવાદ ઝોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી રેનિલ પાટડિયાએ અન્ય સહ-આરોપીઓ સાથે મળીને એક સુનિયોજિત ગુનાહિત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ વિવિધ રાજકીય પક્ષોના નામે એકાઉન્ટ ખોલીને ઇન્કમટેક્સની કલમ 80(B) અને 80(C) હેઠળ ટેક્સમાં રાહત મેળવવા માટે લોકો પાસેથી ડોનેશન મેળવવામાં આવતું હતું. ટ્રસ્ટોના એકાઉન્ટમાં દાન સ્વીકારીને ત્યારબાદ બોગસ દસ્તાવેજો ઉભા કરી, ખોટી એન્ટ્રીઓ પાડીને નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
આરોપીઓ ડોનેશનની રકમમાંથી પોતાનું કમિશન કાપી લઈને બાકીની રકમ અન્ય સ્ત્રોતો દ્વારા ડોનરને પરત કરી દેતા હતા. GSTમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે બોગસ બિલો અને બોગસ રબર સ્ટેમ્પનો ઉપયોગ કરી સરકારને અંદાજે 1000 કરોડનું રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતુ.
બોગસ એકાઉન્ટ ખોલાવી રૂપિયા 1000 કરોડનું ડોનેશન કૌભાંડ આચર્યુંઃ
આ કેસમા ઝડપાયેલા આરોપી રેનિલ પટડિયાએ જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે, તમામ આક્ષેપો ખોટા છે, આ મામલે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ ફાઈલ થઈ ગઈ હોવાથી હવે જેલમાં રાખવાની જરૂર નથી. અન્ય સહ-આરોપીઓને જામીન મળી ગયા હોવાથી સમાનતાના ધોરણે જામીન મળવા જોઈએ. જોકે, આ અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપીએ રાજકીય પક્ષોના નામે બોગસ એકાઉન્ટ ખોલાવી રૂપિયા 1000 કરોડનું ડોનેશન કૌભાંડ આચર્યું છે. આરોપીના ઉષા ગોલ્ડ ફર્મ નામના એકાઉન્ટમાંથી કરોડોના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. આ એક દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતો ગંભીર આર્થિક ગુનો છે.
કોર્ટે તમામ પાસાઓને ધ્યાને રાખીને આરોપીની જામીન અરજી ફગાવીઃ
બીજી તરફ તપાસ અધિકારીએ સોગંદનામુ રજૂ કરી જણાવ્યું હતું કે, આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરતા તેની કડીઓ મળી આવી હતી. આરોપી નવરંગપુરા સી.જી. રોડ પર મેસર્સ ઉષા ગોલ્ડ ફર્મના નામે એકાઉન્ટ ધરાવતો હતો. આ એક જ એકાઉન્ટમાં 5.92 કરોડથી વધુની રકમ જમા થઈ હતી અને તેમાંથી 5.89 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. વધુમાં, સહ-આરોપી વૈદ ધુલારામ શંકરલાલના એકાઉન્ટમાં પણ 36.20 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાના પુરાવા મળ્યા છે. કોર્ટે તમામ પાસાઓને ધ્યાને રાખીને આરોપી રેનિલ પાટડિયાની જામીન અરજી ફગાવી દીધી છે.