ધોળકાના કલીકુંડ વિસ્તારમાં આવેલ ‘હરી જ્વેલર્સ’ ના માલિક ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની અને તેમના બે પુત્રો યશ તેમજ દીપ સોનીએ લોકોનો વિશ્વાસ જીતવા માટે અનેક પેતરા રચ્યા હતા. આશરે 3 કરોડનો ભવ્ય શો-રૂમ અને મર્સિડીઝ બેન્ઝ જેવી લક્ઝરી કાર બતાવીને તેમણે બજારમાં મોટી શાખ ઊભી કરી હતી. આ શાખના જોરે તેમણે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી મોટી રકમો અને કિલોગ્રામમાં ચાંદી પડાવી લીધી હતી.
કઈ રીતે આચર્યું કૌભાંડ?
પ્રાથમિક ફરિયાદ મુજબ, મોહંમદ સજ્જાદ નિવાજખાન પઠાણ પાસેથી આરોપીઓએ 97 કિલો ચાંદી (કિંમત આશરે રૂ. 81.85 લાખ) લીધા બાદ વાયદા મુજબ ડિલિવરી આપી નહોતી. જ્યારે રોકાણકારો પોતાના પૈસા કે સોનું-ચાંદી લેવા પહોંચ્યા, ત્યારે જાણવા મળ્યું કે 20 ઓક્ટોબરથી જ સોની પરિવાર ઘર અને શો-રૂમને તાળા મારી નાસી છૂટ્યો છે. સત્તાવાર રીતે અત્યાર સુધી 6.04 કરોડની છેતરપિંડી નોંધાઈ છે, પરંતુ લોકચર્ચા મુજબ આ આંકડો 300થી 400 કરોડ સુધી પહોંચી શકે છે.
પોલીસની કાર્યવાહી
ધોળકા ટાઉન પોલીસે આ મામલે ગંભીરતા દાખવી ઘનશ્યામ સોની અને તેમના બંને પુત્રો વિરુદ્ધ BNS ની કલમ 316(5) અને 61(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે. PI જે.ડી. ડાંગરવાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. આ કૌભાંડમાં હજુ અનેક રોકાણકારોના નામ બહાર આવે તેવી શક્યતા છે.