કોંગ્રેસમાં ફરી એક વખત જૂથવાદનો મામલો સામે આવ્યો છે, ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપે તેવી વાત સામે આવી હતી. પરંતુ કોંગ્રેસ નારાજ કિરીટ પટેલને મનાવવામાં સફળ રહી છે. હવે તેઓ રાજીનામું નહીં આપે. કિરીટ પટેલે તેમની માંગણીઓ સ્વીકારવાની વાત કરી છે.
અમારી મુખ્ય બે માંગણીઓ હતી. પહેલા પણ કહ્યું હતું કે, રાધનપુરમાં જે બનાવ બન્યો છે તે પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાના રુબરુમાં બન્યો છે. બીજું, પાટણમાં એસસી સેલની નિમણૂક કરવામાં આવી હતી. અમારો પ્રમુખ જયાબેનનો કોઇ વિરોધ નથી. પરંતુ જે પણ નિમણૂકો કરવામાં આવી તેમાં 2017 અને 2019માં અમારી વિરુદ્ધમાં જે કામ કરવામાં આવ્યું હતું, તેવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. અમારી બે માંગણીઓ હતી કે આ બે મામલે તાત્કાલિક એક્શન લેવામાં આવે. અમારી વિરુદ્ધ કામ કર્યું છે તેમની નિમણૂક તાત્કાલિક દૂર કરવામાં આવે. પ્રદેશ અધ્યક્ષે આ બન્ને મામલે વિશ્વાસ અને બાંહેધરી આપી છે. હાલ રાજીનામું આપવાનું રદ કર્યું છે.
નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક કલેશ ફરી ચરમસીમાએ જોવા મળ્યો હતો. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ આરપારની લડાઈના મૂડમાં જોવા મળ્યા હતા. પક્ષમાં પોતાની અવગણના અને ખોટી નિમણૂકોથી નારાજ થઈને કોંગ્રેસ પક્ષના દંડક પદેથી આજે રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. આ ઘટનાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કિરીટ પટેલે પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પાટણમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની નિમણૂકને લઈને તેઓ અત્યંત નારાજ છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો તેમની વાત સાંભળવામાં નહીં આવે તો તેઓ કડક પગલું ભરશે. તેમજ દંડક પદેથી રાજીનામાની વાત કરી હતી.
એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે, પક્ષમાં સાચા કાર્યકરોની કદર થતી નથી. ચૂંટણીમાં જે લોકોએ મને હરાવવા માટે રાત-દિવસ એક કર્યા હતા, તેમને જ આજે સંગઠનમાં મોટા હોદ્દા આપવામાં આવી રહ્યા છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણયો લેવાતા હોવાથી તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.