
અમદાવાદના સેટેલાઈટ પોલીસ મથકે ઓગસ્ટ મહિનામાં ત્રણ આરોપીઓ જીતેન્દ્ર ગોસ્વામી, રોનક સોનાણી અને વિપુલ ગાંગાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે પોલીસે રોનક સોનાણી અને વિપુલ ગાંગાણીને ઝડપીને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યા હતા. જેમના 02 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા.
વકીલ સાહેબ બ્રિજ પાસેના ફ્લેટમાં રોકાણના નામે 13.52 કરોડ પડાવ્યા
પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ છેતરપિંડીનો ભોગ બનનાર ફરિયાદીના પતિ બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયર્સના કામ સાથે સંકળાયેલા છે. જેથી તેઓ આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના પતિને અમદાવાદના વકીલ સાહેબ બ્રિજ પાસે 5 ફ્લેટમાં રોકાણના નામે ટુકડે ટુકડે 13.52 કરોડ પડાવી દીધા હતા.
ત્યારબાદ તેઓ પૈસા પાછા આપતા નહોતા અને જમીન ખરીદીમાં ભાગીદાર બનાવવાની વાત કરીને તેમને ગોળ ગોળ ફેરવતા હતા. આખરે પોતે છેતરાયા હોવાનું લાગતા ફરિયાદીએ સેટેલાઈટ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
‘આ કેસમાં અન્ય કોઈ આરોપી સંકળાયેલ છે કે કેમ તે જાણવાનું છે’
આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી જણાવાયુ હતું કે, આરોપીઓએ જે પૈસા મેળવ્યા છે, તે ક્યાં છે અને ક્યાં વાપર્યા છે, તે જાણવાનું છે. આરોપી જીતેન્દ્ર ગોસ્વામીને પકડવાનો બાકી છે. આ કેસમાં અન્ય કોઈ આરોપી સંકળાયેલ છે કે કેમ તે જાણવાનું છે. શું આરોપીઓએ ફરિયાદીના પતિના પૈસાથી કોઈ મિલકતો ખરીદી છે કે કેમ તે જાણવાનું છે.