ઇન્સોમ્નિયા-તણાવને કારણે લિકર હેલ્થ પરમિટમાં વધારો:2025માં 3,643 અરજીઓ મંજૂર કરાઈ, ગત વર્ષ કરતા આ વર્ષે 144 અરજીઓ વધુ મળી

અમદાવાદ શહેરમાં લિકર હેલ્થ પરમિટ માટે અરજી કરનારાઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ઇન્સોમ્નિયા એટલે કે ઊંઘ ન આવવી અને માનસિક તણાવ જેવી તકલીફોને આધારે આપવામાં આવતા આ પરમિટ માટે વર્ષ 2025માં અત્યાર સુધીમાં 3,643 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.
સરકાર દ્વારા પરમિટ ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ નવા લિકર હેલ્થ પરમિટ માટે 20 હજાર રૂપિયા લેવામાં આવતા હતા, જે હવે વધારીને 25 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે. તે જ રીતે, રીન્યૂઅલ પરમિટ માટેની ફી પણ 14 હજાર રૂપિયાથી વધારીને 20 હજાર રૂપિયા કરવામાં આવી છે. ફીમાં વધારો થવા છતાં અરજીઓની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.
3,408 પુરુષો અને 235 મહિલાઓની અરજી મંજૂર કરાઈ
અમદાવાદમાં નવી અરજીઓની સંખ્યામાં ખાસ વધારો નોંધાયો છે. વર્ષ 2024માં જ્યાં માત્ર 290 નવી અરજીઓ મંજૂર થઈ હતી, ત્યાં વર્ષ 2025માં આ સંખ્યા વધીને 897 સુધી પહોંચી ગઈ છે. ડેટા પર નજર કરીએ તો 2025માં મંજૂર થયેલી 3,643 અરજીઓમાં 3,408 પુરુષો અને 235 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 2024માં મંજૂર થયેલી 3,499 અરજીઓમાં 3,280 પુરુષો અને 219 મહિલાઓ હતી.
ઇન્સોમ્નિયા-તણાવથી પીડાતા લોકો અરજી કરી શકે
સરકારી નિયમો અનુસાર, ઇન્સોમ્નિયા અને માનસિક તણાવ જેવી તબીબી સમસ્યાઓ ધરાવતા લોકો લિકર હેલ્થ પરમિટ માટે અરજી કરી શકે છે. અરજદારે પહેલા પ્રોહિબિશન વિભાગમાં અરજી કરવી પડે છે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવવામાં આવે છે.