
એસઆઈઆરની પ્રક્રિયામાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયાના 10 દિવસ પછી પણ કલેક્ટર કચેરી દ્વારા એક પણ મતદારને નોટિસ મોકલવામાં આવી નથી. જે મતદારોના સંબંધીના નામ 2002ની યાદીમાં ન હોય તેવા મતદારને નોટિસ મોકલવાની હતી.જે મતદારોને નોટિસ મોકલાશે તેઓએ પોતાના વાંધા અને દાવા અરજી સંબંધિત મતવિસ્તારમાં રજૂ કરવાની હોય છે. આ માટે 19 જાન્યુઆરી છેલ્લી તારીખ છે.
નોટિસ પછી દાવા સાંભળવા બાદ કોના દાવા મંજૂર થયા કોના નામંજૂર થયા તે વાત નક્કી થાય. ત્યારબાદ જિલ્લા કલેક્ટર સામે પ્રથમ અપીલ અને બીજી અપીલ માટે ચૂંટણી પંચમાં જવું પડશે. ઈઆરઓ અને એઈઆરઓને મતદારોની યાદી બનાવી નોટિસ મોકલવા સૂચના અપાઈ છે.
દરેક અધિકારી 50 લોકોની વાંધા અરજી સાંભળશે
મતદારોના દાવા અને વાંધા અરજી સાંભળવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 750થી વધુ અધિકારીઓને કામગીરી સોંપાઈ છે. દરેક અધિકારી રોજ 50 મતદારને સાંભળશે. જે મતદારોના નામ જુની યાદી પ્રમાણે મેચ થઈ શકતા નથી તે લોકોની યાદી બનાવીને બૂથ પ્રમાણે જાણ કરાઈ રહી છે.