
હાલમાં વાતાવરણના મધ્ય લેવલમાં ફૂંકાતી જેટ સ્ટ્રીમની અસરથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન ઘટતાં ઠંડી ઘટી છે. પરંતુ, 31 જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટવાની સાથે જેટ સ્ટ્રીમ બ્રેકની અસરથી 1 અને 2 જાન્યુઆરીનાં બે દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 10થી 12 ડિગ્રી સુધી ગગડશે. આ બે દિવસ સિઝનના સૌથી ઠંડા દિવસ સાબિત થવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જેટ સ્ટ્રીમના કારણે 3 દિવસથી અમદાવાદના મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 1.7 ડિગ્રી વધીને 29.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.6 ડિગ્રી વધીને 14.8 ડિગ્રી નોંધાયું હતું. 31 ડિસેમ્બરે બપોરે વાતાવરણમાં પલટો આવવાની સાથે ધુંધળું વાતાવરણ થશે ઠંડીમાં પ્રમશ: વધારો થશે. ઠંડા પવનના કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ઘટવાની જ્યારે લઘુતમ તાપમાન 10થી 12 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા છે.
ભેજવાળા પવનનું જોર ઘટે તેને જેટ સ્ટ્રીમ બ્રેક કહેવાય છે
જેટ સ્ટ્રીમને કારણે હાલમાં 100થી 150 કિલોમીટરની ઝડપે ભેજવાળા પવનો ફૂંકાય છે, હિમાલય તરફથી આવતાં ઠંડા પવનોની અસર વર્તાતી નથી. પરંતુ, જેટ સ્ટ્રીમ બ્રેકથી ભેજવાળા પવનોનું જોર ઘટશે અને હિમાલય તરફથી ગુજરાત તરફ ઠંડા પવનનું પ્રમાણ વધશે, જેને જેટ સ્ટ્રીમ બ્રેક કહે છે. – એ.ટી. દેસાઈ, હવામાન નિષ્ણાત,એક્સપર્ટ