હવે અડધી રાત્રે પણ ખખડાવી શકાશે કોર્ટના દરવાજા, CJI સૂર્ય કાંતનો મહત્ત્વનો નિર્ણય

Spread the love

 

31 ડિસેમ્બર, 2025: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્ય કાંતે અદાલતોની કાર્યશૈલીમાં ઐતિહાસિક પરિવર્તન લાવવાની તૈયારી કરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે બંધારણીય અદાલતો હવે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડની જેમ કામ કરશે, જ્યાં નાગરિકોના મૌલિક અધિકારોની સુરક્ષા માટે અડધી રાત્રે પણ સુનાવણી થઈ શકશે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન CJI સૂર્ય કાંતે જણાવ્યું હતું કે, મારો પ્રયાસ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને ‘જનતાની અદાલત’ બનાવવાનો છે.જો કોઈ નાગરિકના અધિકારો કે આઝાદી જોખમમાં હોય અને તાત્કાલિક ન્યાયની જરૂર હોય, તો તે કોઈપણ સમયે કોર્ટના દરવાજા ખખડાવી શકશે. કાનૂની ઈમરજન્સીના કિસ્સામાં મધરાતે પણ સુનાવણીની વ્યવસ્થા કરવામાં આવશે જેથી વ્યક્તિગત આઝાદીનું રક્ષણ થઈ શકે.

વકીલો માટે નવી SOP: દલીલોનો સમય મર્યાદિત

કોર્ટમાં કેસોનો ભરાવો ઓછો કરવા અને સમયનો બચાવ કરવા માટે સુપ્રીમ કોર્ટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરી છે:

  1. સમય મર્યાદા:વરિષ્ઠ વકીલો અને એડવોકેટ ઓન રેકોર્ડે (AOR) મૌખિક દલીલો માટે કેટલો સમય જોઈશે તેની જાણ સુનાવણીના એક દિવસ પહેલા ઓનલાઇન પોર્ટલ દ્વારા કરવી પડશે.
  2. લેખિત રજૂઆત:વકીલોએ તેમની દલીલોના ટૂંકા મુદ્દાઓ (Written Submission) સુનાવણીના ત્રણ દિવસ પહેલા સામા પક્ષને આપવાના રહેશે અને કોર્ટમાં રજૂ કરવાના રહેશે.
  3. પેજની મર્યાદા:આ લેખિત રજૂઆત 5 પેજથી વધુ હોવી જોઈએ નહીં. તે ટૂંકી અને સ્પષ્ટ હોવી જોઈએ જેથી ન્યાયાધીશો ઝડપથી નિર્ણય લઈ શકે.

તાત્કાલિક અસરથી અમલ

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો દ્વારા બહાર પાડવામાં આવેલો આ પરિપત્ર તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. આ નવા નિયમોથી કોર્ટની કાર્યવાહીમાં પારદર્શિતા આવશે અને લાંબી ચાલતી દલીલો પર અંકુશ આવશે, જેનાથી સામાન્ય લોકોને વહેલો ન્યાય મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *