સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં ભરશિયાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરના સુદામાચોક, કમલાબાગ, છાંયા સહિતના વિસ્તારોમાં પવન સાથે જોરદાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા.
તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ માવઠું થયું છે. ખંભાળીયા અને કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારો જેવા કે હંજરાપર, મોવાણ, સોનારડી, દાત્રાણા, નંદાણામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.
ખાસ કરીને ખંભાળીયા તાલુકાના ગોઈજ અને ચુડેશ્વર ગામમાં વરસાદી પાણી રસ્તા પર વહેતા જોવા મળ્યા હતા.
રાજકોટ જિલ્લામાં પણ વ્યાપક અસર જોવા મળી છે. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ ચોક, વિરાણી ચોક, ધર્મેન્દ્ર રોડ, જાગનાથ અને પંચનાથ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ધોરાજીના ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ, જમનાવડ રોડ પર કાળા ડિબાંગ વાદળો સાથે ધીમીધારે વરસાદ થયો હતો.
ઉપલેટાના કાદી વિસ્તાર, રાજમાર્ગ, કટલેરી બજાર, સ્ટેશન રોડ તથા ગ્રામ્ય વિસ્તાર ડુમિયાણી, વાડલા, ઈસરા અને મુરખડામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ ઉપરાંત પડધરી તાલુકાના જીવાપર, વિસામણ, પીઠડીયા, ખાખરા, જીલરીયા, ડાંગરા અને ફતેપર જેવા ગામો પણ માવઠાથી પ્રભાવિત થયા હતા.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ કમોસમી વરસાદથી ભીંજાયા હતા. આમ, સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ થયેલા આ માવઠાને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે. ભરશિયાળે ખેડૂતોએ કરેલા રવિ સિઝનના પાકોને આ કમોસમી વરસાદથી મોટું નુકસાન થવાની ભીતી સતાવી રહી છે.