
ગાંધીનગરના ઝુંડાલ પાસે મહેસાણા અમદાવાદ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે તેમના પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનું ટાયર દંપતી પર ફરી વળતા માનસિંહભાઈ ચૌધરીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, અને રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત રમીલાબેનને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, હોસ્પિટલમાં રમીલાબેનની હાલત અત્યંત નાજુક હોવાથી તબીબોએ તેમનો ડાબો પગ ઘૂંટણથી નીચેના ભાગેથી કાપવાની ફરજ પડી હતી, જ્યારે તેમના ડાબા હાથે ફેક્ચર હોવાથી સળીયો નાખવામાં આવ્યો છે.
ગાંધીનગરના વાવોલમાં રહેતા 70 વર્ષીય માનસિંહભાઈ રેવાભાઈ ચૌધરી અને તેમના પત્ની રમીલાબેન પોતાના એક્ટિવા પર સવાર થઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ઝુંડાલ બ્રિજ પાસે પાછળથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી ટ્રકના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી, ટક્કર એટલી ભયાનક હતી કે દંપતી રોડ પર પટકાયા હતા અને ટ્રકનું ટાયર તેમના પર ફરી વળ્યું હતું.