
ગાંધીનગર જિલ્લાના કલોલની સેશન્સ કોર્ટે સ્ત્રી હત્યાના એક અત્યંત કરપીણ કિસ્સામાં ઐતિહાસિક ચુકાદો આપતા આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારી છે. નોંધનીય છેકે,ન્યાયાધીશ બી.આર.રાજપુતે આ ચુકાદાની શરૂઆત જ એક ગહન સંસ્કૃત શ્લોક “ન સ્ત્રીવધસમં પાપં ન ચતતત્સ દશાંડ૫૨ઃ તસ્માત તસ્ય વંધે દંડ, કઠોર સમ્પ્રદીપમ” થી કરી હતી. જેનો અર્થ સમજાવતા તેમણે નોંધ્યું હતું કે સ્ત્રી હત્યા સમાન અન્ય કોઈ પાપ કે ગુનો નથી.
આ કેસની વિગતો મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના અલીગઢનો વતની આરોપી નારાયણસીંગ મખ્ખનસીંગ કુશવાહા રકનપુર ગામે એક કંપનીના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતો હતો, જ્યાં તેને શોભા ઉર્ફે શોભના નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. જોકે શોભનાને અન્ય વ્યક્તિ સાથે પણ સંબંધ હોવાની જાણ થતા અને તે અવારનવાર પૈસાની માંગણી કરતી હોવાથી આરોપીએ અદાવત રાખી હતી.
ગત તારીખ 9 જાન્યુઆરી 2022ના રોજ બપોરના સમયે જ્યારે શોભના આરોપીના રૂમ પર ગઈ હતી .ત્યારે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો અને ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આવેશમાં આવીને આરોપીએ પાવડાના તૂટેલા લાકડાના ધોકા વડે શોભનાના માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી અને તેનું માથું દિવાલ સાથે અથડાવી નીચે પાડી દીધી હતી. આટલે થી નહીં અટકેલા આરોપીએ ક્રૂરતાની પરાકાષ્ઠા વટાવતા અગાસી પર કપડાં સુકવવાની દોરી કાપી તેના વડે ગળે ટૂંપો આપી તેણીની હત્યા કરી હતી.
બાદમાં લાશને રૂમમાં પૂરી બહારથી તાળું મારી ફરાર થઈ ગયો હતો. આ ઘટના કોરોના કાળ દરમિયાન બની હોવાથી લાંબા સમય બાદ જ્યારે રૂમ ખોલવામાં આવ્યો ત્યારે મરણજનારની લાશ હાડપિંજર જેવી હાલતમાં મળી આવી હતી.સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાનો કેસ કલોલ કોર્ટમાં ચાલવા પર આવતા સરકારી વકીલ જે.એચ.જોષી દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી.
આ સમગ્ર કેસમાં સૌથી નિર્ણાયક પુરાવો એફ.એસ.એલ. દ્વારા આપવામાં આવેલ ડી.એન.એ. અહેવાલ સાબિત થયો હતો. જેના આધારે કોર્ટે માન્યું હતું કે ફરિયાદ પક્ષ તમામ સાંયોગિક પુરાવાની કડીઓ સ્થાપિત કરવામાં સફળ રહ્યો છે. અંતે આજરોજ અદાલતે આરોપીને આજીવન કેદ એટલે કે જીવનના અંતિમ શ્વાસ સુધીની જેલ અને રૂ. 1 લાખના દંડની સજાનો હુકમ કર્યો છે.