
જમ્મુ અને કાશ્મીરના રહેવાસી આરોપી મન્ઝૂર અહમદ મીરને ગુજરાત ATSએ ઓક્ટોબર 2018માં ઝડપ્યો હતો, જે પાકિસ્તાનથી સમુદ્રી માર્ગે ભારતમાં હેરોઇનની 500 કિલોની ખેપની હેરાફેરીના ગુનાના આરોપસર ઝડપાયો હતો. ત્યારથી તે જેલમાં જ છે અને તેને નિયમિત જામીન માટે તમામ અદાલતોને વિનંતી કરી હતી, જે દરેક વખતે ફગાવી નાખવામાં આવી હતી.
આરોપીએ 30 દિવસના હંગામી જામીન માટે અરજી કરી અને રજૂઆત કરી હતી કે અરજદાર પોતાની પત્નીને ભરણપોષણ આપવા અસમર્થ છે, જેથી તેની પત્નીએ છૂટાછેડાની અરજી કરી છે અને અરજદાર પોતાની પત્નીને છૂટાછેડા ન લેવા માટે સમજાવવા માગે છે. તે પોતે ફળ, શાકભાજી, કાર્પેટ અને શાલનો વેપારી છે અને આ કેસ સાથે તેનો કોઈ લેવાદેવા નથી.
NIAએ અરજદારની જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, અગાઉ ઓક્ટોબરમાં કરવામાં આવેલી જામીન અરજીમાં પણ આરોપીએ પોતાની પત્નીની છૂટાછેડાની અરજીનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અદાલતે તે અરજી ફગાવી દીધી હતી. ફરી એક વખત તેણે જામીન માગતાં, અદાલતે પોલીસે વેરીફિકેશન કરવાની સુચના આપી હતી અને જમ્મુ-કાશ્મીરના બિયરવાહ પોલીસ સ્ટેશન દ્વારા મોકલવામાં આવેલા અહેવાલમાં પુષ્ટિ કરવામાં આવી કે, આરોપીની ધરપકડ બાદ તેની પત્ની ઘર છોડીને ચાલી ગઈ છે.
અહેવાલમાં એવું સૂચન પણ કરાયું હતું કે, આરોપી પત્નીના છૂટાછેડાના કેસમાં વીડિયો કોન્ફરન્સથી અથવા પોતાની માતા, મામા અથવા બહેનો મારફતે કન્ટેસ્ટ કરી શકે છે. તપાસ એજન્સીએ પત્નીના છૂટાછેડા માટે આરોપીને જામીન આપવાની માંગનો કડક વિરોધ કર્યો હતો. NIAએ NDPS અધિનિયમની કલમ 37 હેઠળના કડક જામીન સંબંધિત નિયમો પર ભાર મૂક્યો હતો.
દલીલો સાંભળ્યા પછી અદાલતે જણાવ્યુ હતુ કે, NDPS અધિનિયમની કલમ 37ની જોગવાઈઓ તથા ખાસ કરીને તેમાં ઉલ્લેખિત બે શરતોને ધ્યાનમાં લેતા અરજદારને એક દિવસ માટે પણ તાત્કાલિક જામીન આપી શકાય નહીં. અરજી પર વિચાર કરવા પૂરતા કારણો ન હોવાથી, હાલની અરજી ફગાવવી જરૂરી બને છે.