
અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં શહેર પોલીસે કાયદો-વ્યવસ્થા જ નહીં પરંતુ માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 31 ડિસેમ્બર સુધી ચાલેલા કાર્નિવલમાં 8 લાખથી વધુ લોકો આવ્યા હતા. પરિવારથી છૂટા પડી ગયેલા 105 બાળકોના માતા-પિતાને શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
ગભરાયેલી હાલતમાં મળેલા આ તમામ બાળકોને શી-ટીમ તથા પોલીસ કર્મચારીઓએ સંવેદનશીલતા દાખવી સાંત્વના આપી હતી. બાદમાં કંટ્રોલ રૂમ અને માઇક સિસ્ટમના સંકલનથી ગણતરીની મિનિટોમાં તમામ બાળકોના માતા-પિતાને શોધી કાઢ્યા હતા. ભીડમાં ખોવાયેલા 5 કિંમતી મોબાઈલ ફોન અને 9 પર્સ (રોકડ અને મહત્વના દસ્તાવેજો સાથે) પણ મળી આવ્યા હતા. 360 ડિગ્રી ડ્રોનથી સર્વેલન્સ તેમજ હાઈટેક કંટ્રોલ રૂમ બનાવાયો હતો.
કાર્નિવલના બંદોબસ્તમાં ‘શી’ ટીમની 11 ટીમો મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સતત પેટ્રોલિંગ કરતી હતી. 2 ખાસ ‘મિસિંગ’ સેલની ટીમોએ માત્ર ગુમ થયેલા વ્યક્તિઓને શોધવાનું કામ કર્યું હતું. સીસીટીવી અને ફેસરેકગ્નિશન કેમેરાની મદદથી ગુમ બાળકોને ટ્રેક કરાયા હતા.