ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા
દર્દીઓને બેસ્ટ ટ્રીટમેન્ટ મળી રહે તે માટે ૨૨ નિષ્ણાત તબીબોની ટીમ તૈનાત: નાયબ કલેકટર કક્ષાના અધિકારીને વિશેષ જવાબદારી સોંપાઈ
પરિવારજનોને ભોજન સહિતની તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવા વહીવટી તંત્રને સૂચના આપી
ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સતત સમગ્ર સ્થિતિનો રિવ્યૂ લઈ રહ્યા છે, સાંજે પુનઃ રીવ્યુ લેશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
…





Gj 18 ખાતે પાણીજન્ય રોગોની સંખ્યામાં સતત વધારો થતા અને સિવિલમાં દર્દીઓની સંખ્યા વધતા તાબડતોબ ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે સિવિલ ખાતે દોડી આવ્યા હતા, ત્યારે જીજે 18 સિવિલ ખાતે ટાઈફોઈડ કેસોને પગલે જિલ્લા વહીવટી તંત્ર સાથે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓને મળી દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા. દર્દીઓને શ્રેષ્ઠ સારવાર માટે ૨૨ નિષ્ણાત તબીબોની ટીમ બનાવવામાં આવી છે અને નાયબ કલેકટર કક્ષાના અધિકારીને વિશેષ જવાબદારી સોંપાઈ છે.
નાયબ મુખ્યમંત્રીએ પોતાના કાર્યાલય ખાતે જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં ટાઈફોઈડના ફેલાવાને રોકવા માટે લેવાયેલા પગલાં અને સારવારની સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે દર્દીઓને બેસ્ટ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપી હતી. બેઠક બાદ શ્રી હર્ષ સંઘવી સીધા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ટાઈફોઈડની સારવાર લઈ રહેલા દર્દીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી. તેમણે હોસ્પિટલના સત્તાધીશોને આદેશ આપ્યા હતા કે, દરેક દર્દીને ઉત્તમ અને સમયસર સારવાર મળી રહે. દર્દીના પરિવારજનોને ભોજન સહિતની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારી રાખવા અને તે મુજબની વ્યવસ્થા ગોઠવવા આદેશ કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ શ્રી અમિતભાઈ શાહ સતત સમગ્ર સ્થિતિનો રિવ્યૂ લઈ રહ્યા છે. આજે સાંજે પણ શ્રી અમિત શાહ આ બાબતે રીવ્યુ લેનાર છે. દર્દીઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તે માટે બેસ્ટ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, દર્દીના પરિવારજનોને ભોજન સહિતની તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવા વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. દર્દીઓની સારવાર માટે ૨૨ તબીબોની ટીમ બનાવવામાં આવી છે અને નાયબ કલેકટર કક્ષાના અધિકારીને આ વ્યવસ્થાઓ પર નિરીક્ષણ માટે વિશેષ જવાબદારી આપવામાં આવી છે.
….