હિમાલય તરફથી ફૂંકાતા બર્ફીલા પવન અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી જાન્યુઆરીમાં ઠંડીનો પારો 12થી 14 ડિગ્રી રહેશે

Spread the love

 

આ વર્ષે ડિસેમ્બર મહિના દરમિયાન અમદાવાદનું લઘુતમ તાપમાન સામાન્યથી વધુ રહ્યું હતું. જેથી ડિસેમ્બરમાં જોઈએ એવી ઠંડી અનુભવાઇ નથી. પરંતુ, હવે ઉત્તર ધ્રુવીય પ્રદેશ એટલે કે હિમાલય તરફથી ઠંડા પવનનું ગુજરાત તરફ સ્થળાંતર અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી અમદાવાદમાં ઠંડીનો પારો 12થી 14 ડિગ્રીની આસપાસ રહી શકે છે, સમગ્ર જાન્યુઆરીમાં ઠંડીનો અહેસાસ થશે. ડિસેમ્બરમાં સૂકા પવનથી અમદાવાદનું મહત્તમ તાપમાન 28થી 30 ડિગ્રી અને લઘુતમ તાપમાન 12થી 17 ડિગ્રી વચ્ચે રહેતું હોય છે, જેને કારણે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડતી હોય છે. પરંતુ, આ વર્ષે અલ-નીનોની અસરથી ઠંડી વર્તાઇ નથી. જાન્યુઆરી મહિનાનું તાપમાન સામાન્યની આસપાસ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 28થી 29 ડિગ્રી અને લઘુતમ તાપમાન 10થી 16 ડિગ્રી વચ્ચે રહેતું હોય છે. 2થી 6 જાન્યુઆરી અને 13 જાન્યુઆરીથી મહિનાના અંત સુધી અમદાવાદમાં ઠંડીનું જોર વર્તાશે. જો કે, જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેને કારણે તાપમાન ઉંચકાશે જેથી ઠંડી ઘટશે અને એ પછી ફરીથી ઠંડીમાં વધારો થાય છે. – અંકિત પટેલ, હવામાન નિષ્ણાત

જાન્યુઆરીમાં ઠંડી પડવાનાં મુખ્ય કારણો

  • ઉત્તરીય પવનોનું જોર : ધ્રુવ પ્રદેશો, હિમાલયની પહાડી તરફથી ફૂંકાતા ઠંડા પવનો વધુ મજબૂત બનીને વાતાવરણના નીચલા સ્તરે આવે છે.
  • પવનોનું સ્થળાંતર: આ પવનો સીધા ગુજરાત તરફ ગતિ કરે છે, જેના કારણે લઘુતમ તાપમાન ઘટે છે.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ મજબૂત બનતાં ઠંડા પવન સીધા જમીન તરફ ધકેલાય છે, જેથી ચમકારો વધે છે.
  • બદલાતું વાતાવરણ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 15 ડિસેમ્બરની આસપાસ સક્રિય થતા હોય છે, પરંતુ 3 વર્ષથી ક્લાઈમેટ ચેન્જથી તે જાન્યુઆરીમાં વધુ સક્રિય જોવા મળે છે.
  • અચાનક આવતો ફેરફાર : જ્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જાય છે, ત્યારે તેના પછી તરત જ વાતાવરણમાં ભેજ ઘટતા અને આકાશ સાફ થતા ઠંડીનું મોજું ફરી વળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *