જુનાગઢના ધંધુસર ગામના ખેડૂત હરેશ વદરની બે ભેંસોના મોતે તંત્રની પોલ ખોલી નાખી છે. જાણીતી કંપનીના પશુ આહારમાં 30% થી 50% સુધીની ભેળસેળ હોવાનું લેબોરેટરી રિપોર્ટમાં સાબિત થયા બાદ પણ, હાથ પર હાથ ધરીને બેઠેલા BIS અને FSSAI ના અધિકારીઓને ગુજરાત હાઈકોર્ટે ૨૯ જાન્યુઆરીએ રૂબરૂ હાજર થવા ફરમાન કર્યું છે.
ભેળસેળિયા તત્વો પ્રોટીન વધારવાના બહાને પશુ આહારમાં યુરિયા અને જોખમી ફ્લેવર્સ ઉમેરી પશુઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. આ માત્ર પશુઓ પૂરતું મર્યાદિત નથી; આ ઝેર દૂધ વાટે મનુષ્યોના શરીરમાં પ્રવેશી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આવા દૂધમાં રહેલું ‘અફલાટોક્સીન’ નામનું ઝેરી તત્વ બાળકોના વિકાસને રુંધે છે અને લાંબા ગાળે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ નોતરે છે. શું તંત્ર આ ગંભીર સત્યથી અજાણ છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યું છે?
તંત્ર એકબીજા પર ‘ખો’ આપી જવાબદારીમાંથી છટકબારી શોધી છે
ચોંકાવનારી બાબત એ છે કે, જ્યારે ખેડૂતે પુરાવા સાથે રજૂઆત કરી, ત્યારે અધિકારીઓએ લાયસન્સ ન હોવાનું બહાનું બતાવી કાર્યવાહી કરવાની મનાઈ કરી દીધી. હાઈકોર્ટે તંત્રના આ બેજવાબદાર વલણ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ના કમિશનરે હવે એ જવાબ આપવો પડશે કે કોના આશીર્વાદથી બજારમાં લાયસન્સ વગરનું અને ઝેરી દાણ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે? જૂનાગઢના ધંધુસર ગામના ખેડૂતોએ આ લડત માત્ર બે ભેંસોના વળતર માટે નથી, પણ કરોડો લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ખતરનાક ચેડાં રોકવા માટેની છે. તંત્રની નિષ્ક્રિયતા સામે હવે કોર્ટનો આકરો મિજાજ પશુપાલકોમાં આશા જગાડી રહ્યો છે.