બગદાણા કેસમાં મુખ્યમંત્રીને રજૂઆત કરાયાની ગણતરીની મિનિટોમાં જ SITની રચના કરાઇ

Spread the love

 

તાજેતરમાં ગુજરાતનો એક મામલો ખૂબ ચર્ચામાં છે. અને તે છે નવનીત બાલધિયા સાથે મારામારીનો. 29 ડિસેમ્બર 2025ની રાત્રિએ બગદાણાના નવનીત બાલધિયા પર 8 લોકોએ હુમલો કર્યો હતો અને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો છે.

નવનીત બાલધિયા પર હુમલાની ઘટનાને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. હુમલાની ઘટનાને લઈને કોળી સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

1 જાન્યુઆરી, 2026ના રોજ રાજુલાના ધારાસભ્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાના ખબર અંતર પૂછવા ગયા હતા. તો આ મામલે સોમાવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને મળી રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. આજે સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી અને આ કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી.

 

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળીને આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે, અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી. કોળી સમાજના યુવક પર જે રીતે હુમલો થયો છે તેની ન્યાયિક તપાસ થાય તેવી અમારી માંગ છે. અમે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે. આ મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તપાસ કરાવવાની માંગ કરી છે. મુખ્યમંત્રી દ્વારા અમને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે.

બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાયાની ગણતરીની મિનિટોમાં જ ભાવનગર રેન્જ IG દ્વારા આ કેસની તપાસ માટે સ્પેશઇયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી દેવામાં આવી છે. ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીની અધ્યક્ષતામાં રચાયેલી SITમાં પોલીસ ઈન્સપેક્ટર એમ.જી જાડેજા, પી.જે.વાળા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્‍મણદેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

શું છે આખો મામલો?

મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીનું યોગેશભાઈ સાગરનું નામ લીધું હતું. જોકે બાદમાં નવનીત બાલધિયાએ માયાભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવી નથી. ભૂલ સમજાતા માયાભાઈ આહીરે માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જેની દાઝ રાખી માયાભાઈના પુત્ર જયરાજે હુમલો કરાવ્યો હોય તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. જોકે PI અને DySPએ પ્રાથમિક તપાસમાં જ જયરાજને ક્લીનચિટ આપતા કોઈ સંડોવણી નથી તેમ કહી દીધું હતું.

નવનીત બાલધિયા ઉપર થયેલા હુમલાના મામલે પોલીસે તાત્કાલિક આઠ લોકોની ધરપકડ કરી છે. બગદાણા પોલીસે 8 લોકોની ધરપકડ કરી ઘટનાસ્થળે લઈ જઈ પંચનામુ કર્યું હતું અને રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતું ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ સેરડા તમામ આરોપીઓનું પોલીસે રિકન્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે સમગ્ર મામલે પોલીસ પર ગંભીર આરોપો થતા હોવાથી જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી બગદાણાના PI ડી.વી. ડાંગરની બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દીધા હતા.

 

બગદાણામાં 8 લોકોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. એટલે મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માંગતો વીડિયો મોકલી આપું છું. તેમણે વીડિયો મોકલતા મેં મારા 4-5 મિત્રોને મોકલ્યો હતો.

માયાભાઈએ માફી માંગતા તેના પુત્ર જયરાજને માઠું લાગી આવ્યું હતું, જેથી તેણે મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માંગવા માટે કહ્યું નહોતું, તેમણે જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માંગ છે કે, આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા? પોલીસ તેની તપાસ કરે. ખેર હવે જોવાનું એ રહેશે કે SITની રચના બાદ શું સામે આવે છે? શું આ મામલો આખો ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો? શું આ ઘટનામાં જયરાજ આહીરની સંડોવણી છે કે નહીં? આ આખી ઘટના માયાભાઇ આહીના વાયરલ વીડિયોને લઇને થઇ કે અંગત અદાવતમાં? એ તો હવે SITની તપાસમાં જ વધુ વિગતો સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *