રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આયોજન થનાર છે. જેનું ઉદ્દઘાટન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૧૧ જાન્યુઆરીએ થશે, હાલ તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તૈયારીઓની એ ટુ ઝેડ સમીક્ષા માટે આજે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી રાજકોટ આવી પહોંચ્યા હતા, અધિકારીઓ અને વ્યાપાર ઉદ્યોગ જગતના આગેવાનો સાથે મિટિંગ બાદ કલેક્ટર ઓફિસના કોન્ફરન્સ રૂમ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું જેમાં આજકાલ દૈનિક દ્વારા પૂછાયેલા સવાલના પ્રત્યુતરમાં પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટના પ્રારંભે યોજાનાર પીએમનો રોડ શો મોકૂફ રહ્યો છે, રોડ શોનું સમગ્ર આયોજન સંભવિત હતું પરંતુ નિશ્ચિત નહીં.
વિશેષમાં પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીએ પ્રત્યુતર આપતા ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે પીએમ નરેન્દ્રભાઈ મોદી હંમેશા રાજકોટને માટે વધુ સમય ફાળવતા હોય છે પરંતુ સોમનાથનો કાર્યક્રમ પણ હોય ત્યાંથી સીધા જ મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચશે.
દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ અંતર્ગત જણાવ્યું હતું કે, તા.૧૧ જાન્યુઆરીને રવિવારે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સોમનાથથી સીધા જ મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચશે જ્યાં આગળ તેમના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન થશે. રિજનલ વાઇબ્રન્ટના અનુસંધાને આજે તેમણે કલેક્ટર ઓફિસ ખાતે વ્યાપાર ઉદ્યોગ જગતના વિવિધ સંગઠનના હોદેદારો સાથે મિટિંગ યોજી હતી તેમ પણ ઉમેર્યું હતું.
ઉપરોક્ત પ્રેસ કોન્ફરન્સ અંતર્ગત ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરીયા તેમજ મ્યુનિ.પદાધિકારીઓ, રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના કલેક્ટર વિભાગ, પોલીસ તંત્ર અને મહાપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.