સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગાળિયો મજબૂત કર્યો છે. રિમાન્ડ દરમિયાન હાથ ધરાયેલી પૂછપરછમાં જમીન બિનખેતી (NA) કરવાના મસમોટા કૌભાંડની મોડસ ઓપરેન્ડી અને લાંચના નાણાંની વહેંચણીના ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે.
પ્રતિ સ્ક્વેર મીટર 10નો ભાવ: કૌભાંડની મોડસ ઓપરેન્ડી
EDની તપાસમાં બહાર આવ્યું છે કે, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં જમીન NA કરવા માટે જાણે ‘મેનૂ કાર્ડ’ નક્કી કરવામાં આવ્યું હતું. રાજેન્દ્ર પટેલના શાસનકાળ દરમિયાન જમીન NA કરવા માટે પ્રતિ સ્ક્વેર મીટર 10 લેખે લાંચ વસૂલવામાં આવતી હતી. આ માટે IORA પોર્ટલમાં ખાસ સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. તપાસમાં મળેલી 800 જેટલી જમીન સીટોની ચકાસણી દરમિયાન પ્રાથમિક રીતે ₹10 કરોડથી વધુની લાંચ લેવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે.
ગુજરાતની આ હોસ્પિટલના ડોક્ટરની ગંભીર બેદરકારી; સગીરાના પેટમાં કોટન રહી જતાં કરૂણ મોત
વોટ્સએપ ચેટ અને પેપર શીટથી ખૂલ્યું રાજ
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ચંદ્રસિંહ મોરીના ત્યાંથી મળી આવેલી પેપર શીટ્સ અને વોટ્સએપ ચેટ્સ દ્વારા થયો છે. EDએ દિલ્હી ખાતે રાજેન્દ્ર પટેલની પૂછપરછ દરમિયાન લેપટોપ, પેન ડ્રાઈવ અને મોબાઈલ સહિતના 12 ડિવાઈસ FSLની મદદથી તપાસ્યા હતા. PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) ની કલમ 50 હેઠળ નોંધાયેલા નિવેદનમાં પટેલે સ્વીકાર્યું છે કે અરજીઓમાં વિલંબ ન થાય તે માટે ‘સ્પીડમની’ ના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી.
લાંચની રકમની ટકાવારી મુજબ વહેંચણી
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે લાંચના નાણાં માત્ર કલેક્ટર સુધી સીમિત નહોતા, પરંતુ નીચેના સ્તર સુધી તેની વહેંચણી થતી હતી. લ લાંચની રકમનો મોટો હિસ્સો (સૂત્રો અનુસાર 50% થી વધુ) પૂર્વ કલેક્ટરના પીએ સુધી પહોંચાડવામાં આવતો હતો. મયુરસિંહ ગોહિલ જેવા કર્મચારીઓને પણ ચોક્કસ ટકાવારી મુજબ લાંચનો હિસ્સો મળતો હતો. આ સમગ્ર કૌભાંડમાં કેટલાક વકીલો અને વચેટીયાઓ પણ સંડોવાયેલા છે, જેમને આગામી દિવસોમાં પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી શક્યતા છે.
CLU અને IORA પોર્ટલનો દુરુપયોગ
આ કૌભાંડ મુખ્યત્વે ‘ચેન્જ ઓફ લેન્ડ યુઝ’ (CLU) એટલે કે હેતુફેરની અરજીઓમાં આચરવામાં આવતું હતું. સરકારી ઓનલાઈન પોર્ટલ IORA માં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી દ્વારા એક અલગ જ પ્રકારની ગોઠવણ કરવામાં આવી હતી, જેથી ‘વ્યવહાર’ ન કરનાર અરજદારોની ફાઈલો અટકી જતી હતી.
આગામી કાર્યવાહી શું હશે?
EDની ટીમે ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં બે દિવસ સુધી સઘન તપાસ કરી લાંચના નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે તેના પુરાવા એકત્ર કર્યા છે. રાજેન્દ્ર પટેલના રિમાન્ડ બુધવારે પૂર્ણ થતા હોવાથી તેમને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસમાં આગામી દિવસોમાં અન્ય મોટા માથાઓની ધરપકડ થવાની પણ પૂરી સંભાવના છે.
સાવધાન! તમારી ફેવરિટ પાણીપુરી બીમારીનું ઘર તો નથી ને? અમદાવાદમાં પાણીપુરીનો પર્દાફાશ